જુનાગઢ : ગર્લ્સ હાઇસ્કુલ જુનાગઢમાં પ્રિન્સિપાલ તરીકે સેવા આપીને નિવૃત્ત થયેલા સુશીલાબેન શાહે આજે આયુષ્યનો અમૃત મહોત્સવ ધામધૂમપૂર્વક ઉજવ્યો હતો. 75 વર્ષ પૂર્ણ કરીને 76 માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે ત્યારે આજે જીવનના અમૃત મહોત્સવને ખાસ બનાવવા માટે ભવનાથમાં આવેલી મિનરાજ શૈક્ષણિક સંકુલની બાળાઓ વચ્ચે તેમણે કેક કાપીને આયુષ્યનો અમૃત મહોત્સવ ઉજવ્યો હતો .
ફૂલડોલ ઉત્સવનું કરાયું આયોજન : આયુષ્યના 75 વર્ષ પુરા કરી ચૂકેલા સુશીલાબેન શાહે આજે તેમનો જન્મદિવસ ફૂલડોલના ઉત્સવમાં ઉજવ્યો હતો. જેમાં તેઓ ખુદ ભગવાન કૃષ્ણ બન્યા હતાં. તેઓ માને છે કે જૈન ધર્મમા ભગવાનના અવતાર તરીકે ભગવાન શ્રીકૃષ્ણ અવતરવાના છે ત્યારે આયુષ્યના અમૃત મહોત્સવ પણ આ રીતે ખાસ બનાવી શકાય.
જન્મદિવસ મનાવવાનુ કોઈ સાર્વજનિક આયોજન પહેલીવાર : ત્યારે વિદ્યાર્થિનીઓ અને ઉપસ્થિત 100 કરતાં વધુ મહેમાનોની વચ્ચે સુશીલાબેન શાહે 75 વર્ષ પુરા કરવા નિમિત્તે કેક કાપીને અનોખી રીતે જન્મ દિવસ મનાવ્યો હતો. આ પ્રકારે જુનાગઢમાં જન્મદિવસ મનાવવાનુ કોઈ સાર્વજનિક આયોજન થયું હોય તેવો પણ આ પહેલો કિસ્સો હતો.
હવે જન્મદિવસ ઉજવવાનું બંધ : 75મો જન્મદિવસ ઉજવ્યા બાદ સુશીલાબેન શાહ હવે તેમના જીવનના આવનારા સમયમાં જન્મદિવસની ઉજવણી નહીં કરે તેમ જણાવ્યું હતું. સુશીલાબેને ધામધૂમથી ભવ્ય રીતે જન્મદિવસની ઉજવણી કરી 76માં વર્ષને વધાવતાં આ નિર્ણય લીધો હતો.હવે તેઓ તેમના જન્મદિવસ નિમિત્તે ગરીબો જરૂરિયાતમંદ શૈક્ષણિક સંસ્થાઓ અને બાળકીઓને તેમનાથી બનતી આર્થિક અને સાધન સહાય કરીને જીવનનું બાકી સમય ઉત્સવ પૂર્વક મનાવવા માટે આજે કટિબદ્ધ પણ બન્યા છે.