જૂનાગઢ: શહેરમાં આવેલા ગાંધી ચોકના પ્રવેશ કરવાના સ્થળે પથ્થરોથી દિવાલ ચણી દેવાઈ છે. જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓને ETV Bharat દ્વારા જાણ કરવામાં આવતા સમગ્ર તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. જવાબદાર અધિકારીઓને આગામી 2 દિવસ સુધીમાં પથ્થરની દિવાલને બદલે કોઈ પણ વ્યક્તિ સરળતાથી અંદર અને બહાર આવ-જા કરી શકે તેવો દરવાજો મુકવાની સૂચના પણ આપી દેવાઈ છે.
ગાંધી ચોક મહત્વનું અને પ્રખ્યાત સ્થળઃ જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન અસ્તિત્વમાં આવ્યા બાદ પ્રથમ વખત શહેરમાં એક માત્ર ગાંધીજીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી. ત્યારથી આ વિસ્તાર ગાંધી ચોક તરીકે ઓળખાય છે. આ સ્થળે ભારતીય વાયુસેનામાં સફળતાપૂર્વક ફરજ બજાવીને નિવૃત્ત થયેલું યુદ્ધ જહાજ પણ મૂકવામાં આવ્યું છે. અહીં લોકો ગાંધીજીના દર્શન કરી શકે ખાસ કરીને ગાંધી જયંતિ અને તેમના નિર્વાણ દિવસે લોકો ગાંધીજીને શ્રદ્ધા સુમન અર્પણ કરે તે માટેની વ્યવસ્થા ઊભી કરાઈ હતી. હાલમાં અહીં રીનોવેશન કરવામાં આવ્યું છે જેમાં પ્રવેશ સ્થળે પથ્થરની દિવાલ ઊભી કરવામાં આવી છે. જેના પરિણામે કોઈ પણ નાગરિક ગાંધી ચોકમાં ગાંધીજીની પ્રતિમા કે યુદ્ધ વિમાન સુધી જઈ શકતો નથી. લોકોની આ અગવડતાને દૂર કરવા મનપાના પદાધિકારીઓએ જે તે અધિકારીઓને સૂચના આપી છે. જેમાં પથ્થરની દિવાલ છે ત્યાં પહેલાની જેમ જ દરવાજો બનાવવાની ખાસ સૂચના અપાઈ છે.
આજે મને ગાંધી ચોકના પ્રવેશ કરવાના સ્થળે પથ્થરોથી દિવાલ ચણી દેવાઈ છે તેવી જાણકારી ETV Bharat દ્વારા મળી છે. મેં સંબંધિત અધિકારીઓ સાથે આ મુદ્દે વાતચીત કરી છે. તેમજ નાગરિક પ્રવેશી શકે તેવી ગોળ સર્કલની જાળી 2 દિવસની અંદર ફિટ કરવાની અને દિવાલ હટાવવાની સૂચના આપી દીધી છે...ગીરીશ કોટેચા(ડેપ્યૂટી મેયર, જૂનાગઢ) ૉ