ETV Bharat / state

લ્યો બોલો... હવે નકલી આર્મી કેપ્ટન ! જૂનાગઢમાં પણ શરૂ થયો નકલીનો સિલસિલો... - FAKE ARMY CAPTAIN

જૂનાગઢમાં ગઈકાલે નકલી એટલે કે ગેરકાયદેસરની પાર્કિંગ પકડાયા બાદ આજે પોલીસે નકલી આર્મી કેપ્ટનની પણ અટકાયત કરી છે. જાણો...

નકલીની ભરમાળની વચ્ચે હવે અસલીને ઓળખવું ખુબ મુશ્કેલ થઈ ગયું છે
નકલીની ભરમાળની વચ્ચે હવે અસલીને ઓળખવું ખુબ મુશ્કેલ થઈ ગયું છે (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 6, 2024, 8:01 PM IST

જૂનાગઢ: નકલી એ તો ભારે કરી ! જૂનાગઢમાં ગઈકાલે નકલી એટલે કે ગેરકાયદેસરની પાર્કિંગ પકડાયા બાદ આજે પોલીસે નકલી આર્મી કેપ્ટનની પણ અટકાયત કરી છે. અગાઉ આર્મીના કેમ્પમાં લેબરકામ કરી ચૂકેલા પ્રવીણ સોલંકીની લોકોને રેલવેમાં લોકો-પાયલોટ તરીકે નોકરી આપવાના બદલામાં મોટી રકમની છેતરપિંડી કરી રહ્યો હોવાની ફરિયાદ મળી હતી. આ ફરિયાદ દિવ્યેશ ભૂતિયા નામના વ્યક્તિ દ્વારા કરવામાં આવી હતી. જેના આધારે પોલીસે ગણતરીના દિવસોમાં આરોપી નકલી કેપ્ટન પ્રવીણ સોલંકીની અટકાયત કરી છે.

હવે આર્મીનો કેપ્ટન પણ નકલી: નકલીની ભરમાળની વચ્ચે હવે અસલીને ઓળખવું ખુબ મુશ્કેલ થઈ ગયું છે. ગઈકાલે જૂનાગઢ શહેરના ઉપરકોટ વિસ્તાર નજીક ગેરકાયદેસર પાર્કિંગ ચલાવતા એક વ્યક્તિને પોલીસે ઝડપી પાડ્યો હતો. ત્યારે આજે સતત બીજા દિવસે જૂનાગઢ શહેરમાંથી નકલી આર્મીનો કેપ્ટન પોલીસના હાથે પકડાયો છે.

ફરિયાદી દિવ્યેશ ભૂતિયાની ફરિયાદને આધારે જૂનાગઢ પોલીસે મૂળ કોડીનાર તાલુકાના બાવાના પીપળવા ગામના પ્રવીણ સોલંકી નામના આરોપીની અટકાયત કરી છે. પ્રવીણ સોલંકી પોતે આર્મીમાં કેપ્ટન હોવાની ઓળખ આપીને લોકોને રેલવેમાં લોકો-પાયલોટ તરીકે નોકરી અપાવવાના બદલામાં મોટી છેતરપિંડી કરી રહ્યો હતો.

આર્મી કેમ્પમાં મજૂર તરીકે કામગીરીનો કર્યો દુરુપયોગ: સમગ્ર મામલાની વિગત આપતા વિભાગીય પોલીસ અધિક્ષક હિતેશ ધાંધલીયાએ માધ્યમોને વિગતો આપતા જણાવ્યું હતું કે, "પોલીસ પકડમાં રહેલો નકલી કેપ્ટન પ્રવીણ સોલંકી બેરોજગાર હોવાને કારણે અગાઉ આર્મી કેમ્પમાં લેબર કામ કરવા માટે જોડાયો હતો. ત્યારબાદ તે કોઈ પણ યુક્તિ પ્રયુક્તિથી આર્મીની કેપ્ટન રેન્કનું યુનિફોર્મ પહેરી ફરતો હતો તેમજ તેણે આર્મીનું એનએસએનું ખોટું આઈકાર્ડ પણ બનાવ્યું હતું. ઉપરાંત તે હાલ સંસદ ભવનમાં નોકરી કરી રહ્યો છે તેવી લોકોને વિગતો આપતો હતો. આમ ખોટી વિગતો આપીને નકલી કેપ્ટન પ્રવીણ સોલંકી લોકોને રેલવેમાં લોકો-પાયલોટની નોકરી અપાવવાના બદલામાં ખૂબ મોટી રકમની છેતરપિંડી પણ કરી રહ્યો હતો."

આર્મી ડ્રેસ, નકલી આઈકાર્ડનો કેટલી જગ્યા પર દુરુપયોગ કર્યો છે? વધુ વિગત આપતા પોલીસ અધિક્ષક હિતેશ ધાંધલીયાએ જણાવ્યું કે, "હાલ આરોપી પોલીસ પકડમાં છે. સમગ્ર મામલામાં પોલીસ ખૂબ જ ગંભીરતાપૂર્વક તપાસ કરી રહી છે. આરોપી પાસેથી પકડાયેલ આર્મીના કેપ્ટનનો ડ્રેસ તેમજ એનએસએનુ ખોટું આઈકાર્ડ તેણે કઈ રીતે બનાવ્યું તેને લઈને પણ પોલીસ ખૂબ જ ગંભીરતા પૂર્વક તપાસ કરી રહી છે. ઉપરાંત આ નકલી કેપ્ટને આર્મી ડ્રેસ નકલી આઈકાર્ડનો કેટલી જગ્યા પર દુરુપયોગ કર્યો છે તે મામલામાં પણ પોલીસ તપાસ કરી રહી છે." આમ, સમગ્ર મામલામાં આરોપીની ઉલટ તપાસ દરમિયાન પણ કેટલાક ખુલાસા થવાની શક્યતાઓ પોલીસે વ્યક્ત કરી છે.

આ પણ વાંચો:

  1. નકલી ન્યાયધીશની નકલી કોર્ટ, જાણો આરોપી મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિયનનો ગુનાહિત ઇતિહાસ
  2. Fake DySP: ફેમિલી કોર્ટનો ડ્રાઇવર નકલી ડીવાયએસપી બનીને લોકોને લગાવ્યો કરોડોનો ચૂનો, જાણો સમગ્ર મામલો

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.