જૂનાગઢ: E-KYC ના મુદ્દાને લઈને છેલ્લા ઘણા સમયથી સરકાર દ્વારા નિર્ધારિત સરકારી અને અર્ધસરકારી તેમજ નગરપાલિકા અને મહાનગરપાલિકા કચેરીઓમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો વહેલી સવારથી જ કતારમાં ઊભેલા જોવા મળી રહ્યા છે. આ બાબતમાં સૌથી વધુ મુશ્કેલીનો સામનો સિનિયર સિટીઝન અને વયોવૃદ્ધ રાશનકાર્ડ ધારકોને થઈ રહ્યો છે. પરિણામે સિનિયર સિટીઝનોની મુશ્કેલીઓ ઈ-કેવાયસી દરમિયાન દૂર થાય અને તેમને પ્રાયોરિટીના ધોરણે પ્રાથમિકતા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
ઈ કેવાયસીમાં લાગી લાંબી કતારો: રાશનકાર્ડને આધાર કાર્ડ સાથે જોડવા E-KYCનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. જેમાં વહેલી સવારથી જ લોકો નગરપાલિકા, મહાનગરપાલિકા, મામલતદાર, પોસ્ટ ઓફિસ અને રાશનકાર્ડની દુકાને લાંબી કતારો લગાવતા જોવા મળી રહ્યા છે. જેમાં સૌથી મોટી મુશ્કેલી સિનિયર સિટીઝન અને વયોવૃદ્ધ મહિલાઓને થઈ રહ્યો છે. વહેલી સવારે આઠ વાગ્યાથી જ E-KYC માટે તમામ રાશનકાર્ડ ધારકો નિર્ધારિત કેન્દ્ર અને રાજ્ય સરકારોની વિવિધ કચેરીઓમાં લાઈન લગાવીને ઉભેલા જોવા મળી રહ્યા છે.
મહિલા અને સિનિયર સિટીઝનને મુશ્કેલી: સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, જે જગ્યા પર E-KYCનું કામ ચાલી રહ્યું છે ત્યાં બેસવા કે પીવાના પાણીની કોઈ વ્યવસ્થા નથી. વધુમાં સિનિયર સિટીઝનોને લાઈનોમાંથી મુક્તિ મળે તે માટે અગ્રીમતાના ધોરણે તેમને પ્રથમ પસંદગી આપવામાં આવે તેવી માંગ પણ સિનિયર સિટીઝન અને વયોવૃદ્ધ મહિલાઓ કરી રહ્યા છે.
![E-KYC માટે સિનિયર સિટીઝનની મુશ્કેલીઓ ઘટતું કરવાની માંગ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/26-11-2024/gj-jnd-03-ekyc-vis-01-byte-02-plg-7200745_26112024152615_2611f_1732614975_199.jpg)
મામલતદારે આપી વિગતો: જૂનાગઢના મામલતદાર રવિ ઠેસીયાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, 'E-KYC રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા નિર્ધારિત સરકારી કચેરીઓમાં થઈ રહી છે. આ સિવાય જે લોકો મોબાઇલનું જ્ઞાન ધરાવે છે, જેમની પાસે આધુનિક મોબાઈલ છે, તેવા તમામ લોકો 'માય રાશન એપ' પરથી ઘરે બેઠા જ કોઈ પણ સરકારી કચેરીમાં આવ્યા વગર E-KYC એકદમ સફળતા પૂર્વક કરી શકે છે.'
![માય રાશન એપથી થઈ શકે કામ સહેલું](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/26-11-2024/gj-jnd-03-ekyc-vis-01-byte-02-plg-7200745_26112024152615_2611f_1732614975_409.jpg)
![માય રાશન એપથી થઈ શકે કામ સહેલું](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/26-11-2024/gj-jnd-03-ekyc-vis-01-byte-02-plg-7200745_26112024152615_2611f_1732614975_966.jpg)
મોબાઇલમાંથી કરવામાં આવતી તમામ પ્રક્રિયા સરકારી કચેરીમાં કરવામાં આવતી પ્રક્રિયાથી બિલકુલ સમાન છે. જેથી લોકોને લાઇન અને કચેરીમાં આવવાની ફરજમાંથી મુક્તિ મળશે, પરંતુ જે લોકો પાસે આધુનિક મોબાઈલનું કોઈ જ્ઞાન નથી, જે લોકો નિરક્ષર છે, આવા તમામ લોકોને સરકાર દ્વારા જે નિર્ધારિત સ્થળ નક્કી કરાયા છે ત્યાં રૂબરૂ ઉપસ્થિત થઈને રાશનકાર્ડને આધારકાર્ડ સાથે જોડવાની પ્રક્રિયા કરવી પડશે. પરંતુ જે લોકો સાક્ષર છે અથવા તો જેમની પાસે મોબાઇલનું પૂરતું જ્ઞાન છે આવા તમામ લોકો પોતાના મોબાઈલમાંથી બિલકુલ સરળ રીતે E-KYC કરીને રાશનકાર્ડ અને આધારકાર્ડને એક સાથે જોડી શકે છે.
![E-KYC માટે સિનિયર સિટીઝનની મુશ્કેલીઓ ઘટતું કરવાની માંગ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/26-11-2024/gj-jnd-03-ekyc-vis-01-byte-02-plg-7200745_26112024152615_2611f_1732614975_1084.jpg)
આ પણ વાંચો: