જૂનાગઢઃ આપણી કહેવતોમાં કહેવાય છે કે શ્વાન અને બિલાડી પોતાનું વેર કદાપિ ભૂલી ન શકે. જો કે આ કહેવતને ખોટી ઠેરવતી ઘટના જૂનાગઢમાં જોવા મળી રહી છે. શહેરના ભટ્ટ પરિવારને ત્યાં શ્વાન અને બિલાડી બિલકુલ મૈત્રી ભાવ દાખવીને સાથે રહે છે. આ અનોખી મિત્રતા વિશે જાણીને સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ જાય છે.
શ્વાન અને બિલાડી વચ્ચે 'વેર'ને બદલે 'વ્હાલ': બિલાડી અને શ્વાનને એકબીજાના દુશ્મન ગણવામાં આવે છે. શ્વાન દેખાતા જ બિલાડી પોતાનો જીવ બચાવવા દોડી જાય છે તે જ રીતે બિલાડી દેખાઈ જાય તો શ્વાન તેને મારી નાખવા માટે આકાશ પાતાળ એક કરતો હોય છે. જો કે જૂનાગઢમાં શ્વાન અને બિલાડીના આ કુદરતી સ્વભાવને બદલે મજાક-મસ્તી અને મૈત્રી પૂર્ણ વ્યવહાર જોવા મળી રહ્યો છે. શહેરના ભટ્ટ પરિવારમાં 2 શ્વાન અને 1 બિલાડી ભોજન પણ એક સાથે કરે છે અને એકબીજા વિના રહી પણ શકતા નથી.
અનોખી મિત્રતા પર માલિકની પ્રતિક્રિયાઃ 2 શ્વાન અને 1 બિલાડીની કેર ટેકર પ્રિયાંશી ભટ્ટે જણાવ્યું હતું કે, પાછલા 5 વર્ષથી મારી પાસે 2 શ્વાન અને છેલ્લા 6 મહિનાથી 1 બિલાડી એક ઘરમાં સાથે રહે છે. શ્વાન પાલતુ છે પરંતુ બિલાડી બીમાર અવસ્થામાં તેને મળી આવી હતી જેને તે ઘરે લાવીને સ્વસ્થ કરી છે. આજે બંને શ્વાનો સાથે હળી મળીને બિલાડી રહેતી જોવા મળે છે. જો શ્વાનને બહાર લઈ જઈ તો બિલાડી સાથે આવે છે તો બિલાડીને એકલીને લઈ જઈએ તો શ્વાન પણ અચૂક આવે છે. જ્યારે બિલાડીને ઘરે લાવવામાં આવી ત્યારે એવું લાગતું હતું કે શ્વાન અને બિલાડી વચ્ચે ઝઘડો થશે અને ગમે તે એકને નુકસાન થશે, પરંતુ આ વિચાર પણ બિલકુલ ખોટો ઠર્યો. આજે બંને શ્વાન અને બિલાડી એક સાથે મૈત્રી ભાવથી રહેતા જોવા મળે છે.