જૂનાગઢ : આજે માનવ અધિકાર દિવસ નિમિત્તે જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ધંધુસર ગામે આદર્શ અને ઉત્તમ દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે. મહતમ મહેર જ્ઞાતિની વસ્તી ધરાવતા ધંધુસર ગામમાં સમૂહ લગ્નનું આયોજન થયું હતું. જેમાં મહેર જ્ઞાતિ સાથે પ્રજાપતિ, દેવીપૂજક, કોળી, ભોઈ, અનુસુચિતજાતિ જેવી આઠ જેટલી જ્ઞાતિના નવયુગલો એક મંડપ નીચે લગ્નગ્રંથીમાં જોડાયા હતા.
સમરસતા સમૂહ લગ્નનું આયોજન : પાછલા ત્રણ વર્ષથી જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ધંધુસર ગામમાં સમુહ લગ્નનું આયોજન કરવામાં આવે છે. આજે માનવ અધિકાર દિવસના સંયોગે આયોજિત થયેલા સમૂહ લગ્નમાં એક મંડપની નીચે મહેર, દેવીપૂજક, કોળી, ભોઈ, પ્રજાપતિ, અનુસુચિતજાતિ અને ભરવાડ જેવી આઠ અલગ અલગ જ્ઞાતિના 23 જેટલા યુગલોએ પ્રભુતામાં પગલા માંડ્યા છે.
માનવ અધિકાર દિવસ સાર્થક થયો : આજે સમગ્ર વિશ્વમાં માનવ અધિકાર દિવસ મનાવવામાં આવી રહ્યો છે. માનવ અધિકારોને લઈને સમગ્ર વિશ્વમાં અનેક સમસ્યાઓ ઊભી થઈ રહી છે. ત્યારે 90% કરતાં વધારે મહેર જ્ઞાતિની વસ્તી ધરાવતા નાના એવા ધંધુસર ગામે સર્વ જ્ઞાતિને જોડીને એક મંડપ નીચે કન્યા વિદાયનો પ્રસંગ ઉજવીને અનોખી રીતે માનવ અધિકાર દિવસની ઉજવણી કરી હતી.
સામાજિક અસ્પૃશ્યતાને તિલાંજલિ આપી : ધંધુસરમાં આયોજિત સમૂહ લગ્નમાં સામાજિક અસ્પૃશ્યતાને તિલાંજલી આપવામાં આવી હતી. વર્ષો પૂર્વે આભડછેડની ઘટના સતત જોવા મળતી, જેમાં કોઈ એક વર્ણનો વ્યક્તિ અન્ય વર્ણના સામાજિક પ્રસંગો કે અન્ય પ્રસંગમાં હાજર ન રહે અને એક સાથે બેસીને ભોજન ન કરી શકે તેવી માન્યતા હતી. ધંધુસર ગામમાં વિવિધ જ્ઞતિ-સમાજના નવયુગલોએ એક મંડપ નીચે સાત ફેરા ફર્યા હતા. તે સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ માની શકાય તેમ છે.