જૂનાગઢ : જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના સચિવ કલ્પેશ ટોલીયાએ એક મહિલા વિરુદ્ધ તેમને હનીટ્રેપનો શિકાર બનાવવાને લઈને પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. સમગ્ર મામલામાં બી ડિવિઝન પોલીસ મથક સચિવ ટોલિયાની ફરિયાદને આધારે તપાસ કરી રહી છે. સામા પક્ષે મહિલા પણ સચિવ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી ગાયબ થઈ જતા મામલો ગૂંચવાયો છે.
હનીટ્રેપમાં ફસાયા JMC સચિવ : જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સચિવ તરીકે કામ કરતા કલ્પેશ ટોલિયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, તેમને એક મહિલા હની ટ્રેપમાં ફસાવી રહી છે. ટોલિયાની પોલીસ ફરિયાદના આધારે જૂનાગઢ બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધી પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
રોકડા માંગી આપી ધમકી : ફરિયાદી કલ્પેશ ટોલીયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, આરોપી મહિલા તેમની પાસે કેટલીક રકમની માંગણી કરી રહી છે. સાથે જ તે રકમ નહીં ચૂકવવાના બદલામાં તેમને જાતીય સતામણીના કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપી હતી. જોકે આ મામલો પ્રકાશમાં આવતા જૂનાગઢ શહેરમાં સમગ્ર કિસ્સો ચર્ચાસ્પદ બની રહ્યો છે.
અગાઉ મહિલાએ આપી હતી અરજી : જે મહિલા પર હનીટ્રેપમાં ફસાવવાની ફરિયાદ કલ્પેશ ટોલિયા દ્વારા કરવામાં આવી છે તે મહિલા દ્વારા અગાઉ કલ્પેશ ટોલીયા વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં અરજી આપવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે સમગ્ર મામલાને લઈને મહિલાને તેમનું નિવેદન અને પોલીસ ફરિયાદ નોંધાવા માટે બોલાવ્યા હતા. પરંતુ તે મહિલા આજ દિન સુધી પોલીસ મથકમાં ફરિયાદ આપવા માટે આવ્યા નથી. જેને લઈને સમગ્ર મામલો જૂનાગઢ શહેરમાં ચર્ચાસ્પદ બની રહ્યો છે.