જૂનાગઢ: આયુર્વેદ મહાવિદ્યાલયની ઔષધીય વાટિકામાં 350 જાતના વિવિધ છોડ અને ઝાડ જોવા મળે છે. આ તમામ છોડ આયુર્વેદની દ્રષ્ટિએ ખૂબ મહત્વના માનવામાં આવે છે. આ છોડમાંથી આયુર્વેદની વિવિધ દવાઓ, ઉકાળા અને ગોળીઓ બનાવીને લોકોને રોગમુક્ત કરવામાં આવે છે. ઉપરાંત આ તમામ છોડો આયુર્વેદિક તબીબી વિજ્ઞાનનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અભ્યાસ અને જે-તે દવાના જીવંત માર્ગદર્શન રૂપે પણ ઉપયોગી બની રહ્યા છે.
આયુર્વેદિક મહાવિદ્યાલયમાં 350 જાતના ઔષધીય છોડ: જૂનાગઢમાં આવેલા આયુર્વેદ તબીબી મહાવિદ્યાલયના ઔષધીય વાટિકામાં 300 થી 350 જાતના વિવિધ છોડ અને વૃક્ષ ઉગાડવામાં આવ્યા છે. આ તમામ છોડ વિવિધ રોગોમાં ઉપચાર પદ્ધતિ દરમિયાન ઉપયોગમાં લેવામાં આવે છે. આ છોડમાંથી બનાવવામાં આવેલા તેલ, ઉકાળા, કવાથ દવા અને અન્ય પદાર્થનો બીમાર વ્યક્તિને બીમારીમાંથી મુક્તિ મળે તે માટે ઉપચાર પદ્ધતિમાં ઉપયોગમાં લેવામાં આવતા હોય છે.
આયુર્વેદિક તબીબી વિજ્ઞાનનો અભ્યાસ કરવા માટે આવતા બીજા વર્ષના વિદ્યાર્થીઓ માટે આ મહાવિદ્યાલયની ઔષધીય વન વાટિકા ખૂબ મહત્વની સાબિત થાય છે. અહીં થીયરી અને પ્રેક્ટીકલ દરમિયાન વિદ્યાર્થીઓને વિવિધ ઔષધીય છોડોનું માર્ગદર્શન અને તેનો અભ્યાસ પણ આ વાટિકા દ્વારા કરાવવામાં આવે છે.
છોડ અને વૃક્ષમાંથી બને છે આયુર્વેદિક દવાઓ: જૂનાગઢ આયુર્વેદ તબીબી મહાવિદ્યાલયમાં જે છોડ અને વૃક્ષો ઉગાડવામાં આવ્યા છે તેમાંથી પરીક્ષણને અંતે વિવિધ દવાઓ, તેલ, ઉકાળા અને કવાથ બનાવવામાં આવે છે. દવા બની ગયા પછી તેનું સ્વરૂપ એકદમ બદલાઈ જાય છે. જેને કારણે આયુર્વેદિક તબીબી વિજ્ઞાનનો અભ્યાસ કરવા માટે આવતા વિદ્યાર્થીઓ માટે દવા બનતા પૂર્વે જે-તે વૃક્ષ કે છોડમાંથી જે દવા બનાવવામાં આવી છે તેનો અભ્યાસ કરાવવા માટે પણ વન વાટિકાના વૃક્ષો અને છોડ ખૂબ જ મહત્વના ગણવામાં આવે છે.
ઉપરાંત આયુર્વેદ તબીબી મહાવિદ્યાલય દ્વારા વર્ષ દરમિયાન આ જ વન વાટિકામાંથી કેટલાક નાના છોડનું ઉત્પાદન પણ કરવામાં આવે છે. જેનું લોકોમાં વિતરણ કરવામાં આવે છે. આ વિતરણ કરવામાં આવેલા છોડને વ્યક્તિઓ પોતાના ઘરમાં સીધી રીતે ઉપયોગમાં લઈ શકે છે. આમ, આયુર્વેદિક દ્રષ્ટિએ મહત્વના છોડનું લોકો સેવન કરે તેવા ઉદ્દેશ્ય સાથે પણ આ વન વાટિકા કામ કરી રહી છે.
આ પણ વાંચો: