જામનગર: જામનગરમાં ફરસાણના વેપારીને ફૂડ સેમ્પલ મામલે ફ્રોડ કોલ આવ્યો હતો. બેડી ગેટ પાસે હરી ઓમ ફરસાણ નામની દુકાનના વેપારીને અજાણ્યા શખ્સે ફ્રોડ કોલ કર્યો હતો. મિઠાઈના સેમ્પલ ફેલ ગયા હોવાનું જણાવી 15 થી 20 હજારની અજાણ્યા શખ્સે ડિમાન્ડ કરી હતી. વેપારીને વાતચીત પરથી શંકા જતા મનપા ફૂડ શાખાના અધિકારીનો સંપર્ક કરતા મામલો સામે આવ્યો છે. હાલમાં વેપારીએ પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.
મિઠાઈની વેપારી પાસે પૈસાની માંગણી
જામનગર શહેરમાં રણજીતસાગર રોડ પર આવેલી હરિ ઓમ મીઠાઈની દુકાનના માલિકને એક અજાણ્યા વ્યક્તિએ ફૂડ શાખામાંથી બોલતો હોવાનો ફોન કર્યો હતો, અને બાદમાં વડોદરામાં મોકલવામાં આવેલા સેમ્પલો બાબતે ₹20,000 ની માંગણી કરવામાં આવી હતી. જોકે વેપારીએ સાવધાની દાખવતા તાત્કાલિક ફૂડ શાખામાં જામનગર ખાતે ફોન કર્યો હતો અને અજાણ્યા ફોન બાબતે ફુડ ઇન્સ્પેક્ટર સાથે વાત કરતા સમગ્ર મામલો બહાર આવ્યો છે.
વેપારીઓને સાવધાન રહેવા સૂચના
વેપારી એસોસિએશન દ્વારા પણ જણાવવામાં આવ્યું છે કે, અજાણ્યા વ્યક્તિના વેપારીઓને અનેક વખત ફ્રોડ કોલ આવતા હોય છે. જે વેપારીઓ સાવધાની વર્તી રહ્યા છે તેમને કોઈ વાંધો આવતો નથી સાથે સાથે ફૂડ શાખાની કામગીરી વિશે પણ ગાંધીનગર ખાતે રજૂઆત કરવામાં આવશે તેવી તેમણે વાત કરી હતી.