જામનગર: જામનગર પોલીસ દ્વારા જામનગરથી હૈદ્રાબાદ જતી ઈન્ડિગો ફ્લાઈટનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ જાણવા મળે છે કે, આ ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. જે બાદ તકેદારીના ભાગરૂપે પોલીસ દ્વારા આ ફ્લાઈટનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. પરિણામે જામનગર એરપોર્ટ પર મોટી સંખ્યામાં પોલીસ કાફલો પહોંચ્યો હતો. તેમજ એરપોર્ટ પર બહારથી લોકોની અવરજવર પણ બંધ કરી દેવામાં આવી હતી.
ગઈ કાલે જામનગર એરપોર્ટ પરથી બપોરના સમયે ટેક ઓફ કરનારી જામનગરથી હૈદ્રાબાદ જતી ઈન્ડિગો ફ્લાઈટની ચેકિંગ પ્રક્રિયા હાથ ધરતા તમામ મુસાફરોને વિમાનમાંથી ઉતારવામાં આવ્યા હતા. ત્યારબાદ બોમ્બ સ્કવોડ તેમજ ડોગ સ્કવોડની મદદથી ચેકિંગ કરવામાં આવ્યું હતું.
બોમ્બની ધમકીને પગલે એરપોર્ટની અંદર ફ્લાઈટને હોલ્ડ ઉપર રાખવામાં આવી હતી. ત્યારબાદ તેનું ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ ચેકિંગ ટીમમાં જામનગર પોલીસની ટીમ, ડીવાયએસપી, એલસીબી, એસઓજી અને બોમ્બ સ્ક્વોડ સહિતની ટીમો સામેલ હતી. ફ્લાઈટની ચેકિંગ બાદ પોલીસ દ્વારા જામનગર એરપોર્ટની પણ ચેકિંગ કરવામાં આવી હતી.
લોકોની સલામતીના ભાગરૂપે આ ફ્લાઇટને અલગ-અલગ એજન્સીઓ દ્વારા ચેકિંગની કાર્યવાહી કરવામાં આવી હતી. ઉપરાંત ઈમરજન્સી માટે ત્રણથી વધુ એમ્બ્યુલન્સ એરપોર્ટ ખાતે સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે, આ ફ્લાઇટમાં 40 થી 50 પેસેન્જર જામનગરથી હૈદરાબાદ જવા માટે સવાર હતા. જેમને સુરક્ષિત રીતે ઉતારી લેવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: