જામનગર : આજે પણ સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં પ્રાચીન-અર્વાચીન ગરબીઓ દ્વારા ર્માં આદ્યશક્તિની આરાધનાનું મહાપર્વ નવરાત્રિને ભક્તિભાવ સાથે ઉજવવામાં આવી રહ્યું છે.
જામનગરમાં 72 વર્ષથી ચાલતી શ્રી પટેલ યુવક ગરબી મંડળના યુવાનો પરંપરાગત મશાલ રાસમાં અગ્નિમાં ગરબે ઘૂમી લોકોના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે. જામનગરમાં થતા આ રાસ ગરબાને જોવા માટે મોટી સંખ્યામાં લોકો આવી પહોચે છે.
પટેલ યુવક ગરબી મંડળ : જામનગરના રણજીતનગરમાં લેઉવા પટેલ સમાજના ચોકમાં છેલ્લા 72 વર્ષથી પટેલ યુવક ગરબી મંડળ દ્વારા નવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવે છે. પટેલ યુવક ગરબી મંડળમાં યુવાનો દાંતરડા, મશાલ અને તલવારથી રાસ રમે છે. જેમાં યુવકો દ્વારા રજૂ થતો મશાલ રાસ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. આ રાસ નિહાળવો લોકોને ખૂબ પસંદ પડે એવો છે.
પરંપરાગત મશાલ રાસ : વિશાળ સ્ટેજ પર પરંપરાગત કેડિયું અને ચોયણીના વસ્ત્ર પરિધાન કરીને આ ગરબી મંડળના ખેલૈયાઓ મશાલ રાસ રમે છે. મશાલ રાસમાં યુવાનો આગના ધગધગતા અંગારા પર ખુલ્લા પગે રાસ રમે છે. આ દ્રશ્ય બહુ જ નયનરમ્ય હોય છે. આ ઉપરાંત રાસ દરમિયાન મશાલ સાથે યુવાનો સ્વસ્તિકના પ્રતિક પણ રચે છે. જેથી લોકોમાં આ રાસ-ગરબાનું ખાસ વિશેષ આકર્ષણ છે.
શૌર્યનું પ્રતીક તલવાર રાસ : પટેલ યુવક ગરબી મંડળમાં યુવાનો દાંતરડા, મશાલ અને તલવારથી રાસ રમે છે. હાથમાં ખુલ્લી તલવાર સાથે શકિત અને શૌર્યના પ્રતીક સાથે ગરબે ઘુમતા ખેલૈયાઓ સૌનું મન મોહી લેતા હોય છે. 'શિવાજીના હાલરડાં' અને 'ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું" ના ગીતો સાથે યુવાનો જોમથી તલવાર રાસ રજૂ કરતાં હોય છે. દાંતરડા, મશાલ અને તલવારથી ખેલૈયાઓ કઈ રીતે ખુમારી સાથે રમે છે રાસ તે જોવાનો રોમાંચ જ કંઈક અલગ હોય છે.