જામનગર: શિયાળાની કડકડતી ઠંડીમાં તો ધબડામાંથી ઊઠવાનું મન જ નથી થતું. અને તેમાં પણ જો નાહવાની વાત કરી તો ઠંડા પાણીથી તો નાહવાની હિંમત જ ન થાય. આમ, શિયાળામાં નાના હોય કે મોટા કોઈને પણ ઠંડા પાણીથી નહાવાનું મન થતું નથી. અને આ તમામ બાબતોમાં પણ જો તમે સ્વિમિંગની વાત કરો તો.... પરંતુ જામનગરવાસીઓ તો કડકડતી ઠંડીમાં સ્વિમિંગ પુલમાં ધુબાકા મારી રહ્યા છે. તમને જાણીને નવાઈ થશે કે, જામનગરમાં ગરમ પાણીનો સ્વિમિંગ પુલ છે.
જામનગરના આ ગરમ પાણીના સ્વિમિંગ પુલમાં મહિલા અને પુરુષ મોટી સંખ્યામાં સ્વિમિંગ કરવા માટે આવે છે.
આ મુદ્દે ડીએસઓ ભાવેશ રાવલીયાએ જણાવ્યું હતું કે, 'સંપૂર્ણ ઈલેક્ટ્રિક ઉપકરણોના માધ્યમથી સ્વિમિંગ પૂલનું પાણી ગરમ કરવામાં આવે છે, અને સ્વિમિંગ પૂલનું પાણી સતત બદલવામાં આવે છે.'
તમને જણાવી દઈએ કે, જામનગરમાં સૌરાષ્ટ્રનો આ એકમાત્ર ગરમ પાણીનો સ્વિમિંગ પુલ આવેલો છે. સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત (SOG) દ્વારા રૂપિયા 6 કરોડના ખર્ચે ક્રિકેટ બંગલા ખાતે આવેલા ગ્રાઉન્ડમાં આ ગરમ પાણીનો સ્વિમિંગ પુલ કાર્યરત કરાયો છે. જ્યાં શિયાળા દરમિયાન મોટી સંખ્યામાં લોકો ગરમ પાણી સાથે નહાવાની મજા લૂંટવા માટે આવે છે. તમને જાણીને નવાઈ લાગશે કે, હાલ શિયાળો હોવા છતાં પણ 200 થી 300 લોકો અહીં દરરોજ સ્વિમિંગ માટે આવે છે. માત્રને માત્ર લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા શિયાળામાં આ સુવિધા લોકોને આપવામાં આવી છે.
આમ, જામનગરમાં શિયાળાની સિઝનમાં જામનગર વાસીઓ ગરમ પાણીના સ્વિમિંગ પૂલમાં ધોકા મારી મોજ માણી રહ્યા છે.
જામનગરમાં જુન-2022થી શરુ થયેલા સૌરાષ્ટ્રના એકમાત્ર સાર્વજનિક ઈન્ડોર સરકારી સ્વીમીંગ પુલમાં શિયાળામાં ગરમ પાણીની સુવિધા હોવાથી હાલ ઠંડીના દિવસોમાં પણ સ્વીમીંગ કરનારા ભાઈઓ-બહેનોની સંખ્યા 300 જેટલી થઈ છે. આ પુલ સવારે 6 થી રાત્રે 8 સુધી ચાલુ રહે છે. જેનો લાભ નિયમિત સ્વીમીંગ પ્રેક્ટીસ દ્વારા કસરત કરતા અને વિદ્યાર્થીઓ લઈ રહ્યા છે. આ પુલમાં લેડીઝ અને જેન્ટસ માટે કોચીંગની સુવિધા રાખવામાં આવી છે. સવારે 6 થી 9 ભાઈઓ માટે અને 9 થી 11 દરમિયાન બહેનો માટે તથા સાંજે 3 થી 4 અને 6 થી 7 બહેનો માટે અને ત્યાર બાદ સાંજે 7 થી 8 ભાઈઓ માટેના બેચ ચાલુ છે. સરકાર દ્વારા બનાવવામાં આવેલા આ ઈન્ડોર પુલમાં ગરમ પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ પણ વાંચો: