જામનગર: રાજકોટ અગ્નિકાંડ બાદ હવે જામનગર મહાનગર પાલિકા એક્શનમાં આવી છે. શહેરમાં લાકડા અને લોખંડના ઉભા કરાયેલા હંગામી સ્ટ્રક્ચર અને હોટલ રેસ્ટોરન્ટ પર મહાનગર પાલિકા દ્વારા કાર્યવાહી કરવામા આવી છે. રાજકોટની ગોઝારી ઘટના બાદ મહાનગરપાલિકા તંત્ર સફાળુ જાગ્યું છે. ત્યારે શહેરના સાધના કોલોની વિસ્તારમાં આવેલા બેઠક રેસ્ટોરન્ટ ખાતે ફાયર એનઓસી મુદ્દે ચેકિંગની કાર્યવાહી કરવામા આવી રહી છે. અહીં જામનગર મહાનગર પાલિકાની વિવિધ ટીમો આવી પહોંચી હતી.
ફાયર સેફ્ટી ન હોવાથી ઢગલાબંધ હોટલોને લાગી ગયા તાળા: જેએમસી એસ્ટેટ શાખાની ટીમના અધિકારીએ જણાવ્યુ હતુ કે, શહેરમાં જેટલા પણ હંગામી સ્ટ્રક્ચર અને હોટલ રેસ્ટોરન્ટ છે. તેમજ જ્યાં પણ વધારે લોકો આવવાની સંભાવના છે. તેવી હોટલોમાં ફાયરની સુવિધા કે ફાયર એનઓસી મેળવેલ ન હોય તેવા તમામ હોટલમાં સીલ કરવાની કાર્યવાહી કરાવામાં આવી રહી છે. હાલમાં બેઠક હોટલોમાં ચેક કરતા અહીં ફાયર સેફ્ટીની કોઈ પણ જાતની સુવિધાઓ મળી નથી. તેમજ બીયુ પરમિશન પણ મેળવેલ નથી. જેથી સીલની કાર્યવાહી કરાવામા આવી છે.
53 હોટેલ સિલ કરવાની કાર્યવાહી: જેએમસી એસ્ટેટ શાખાની ટીમ દ્વારા શહેરમાં લાકડા અને લોખંડનું હંગામી સ્ટ્રક્ચર ઉભું કરી. ખુલી ગયેલ હોટેલો પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. શહેરમાં લગભગ 53 એવી હોટલો છે, જેમાં ન ફાયર સેફટી છે, અને ન તો લાયસન્સ લીધા છે. ત્યારે આવી શહેરની તમામ 53 હોટેલ સિલ કરવાની કાર્યવાહીની શરૂઆત કરવામા આવી છે.