જામનગર: જિલ્લાની જીજી હોસ્પિટલ સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ છે. અહીં સમગ્ર સૌરાષ્ટ્રના દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે. જોકે જીજી હોસ્પિટલમાં અવારનવાર ઓપરેશન માટેની મશીન ખરાબ થવાના કારણે દૂર દૂરથી આવેલા દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જીજી હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગમાં છેલ્લા આઠ દિવસથી ઓપરેશનના બંને મશીનનો બંધ હાલતમાં છે, જેના કારણે દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન કરાવવું પડી રહ્યું છે.
આ સમગ્ર ઘટના બાબતે વિગત આપતા જામનગરની જીજી હોસ્પિટલના અધ્યક્ષક ડોક્ટર દીપક તિવારીએ જણાવ્યું કે, 'છેલ્લા આઠ દિવસથી આ બંને મશીનો બંધ છે અને મુંબઈથી મશીનોના સાધન મંગાવવામાં આવ્યા છે. એક-બે દિવસમાં મશીન ચાલુ થઈ જશે. ત્યારબાદ દર્દીઓને જે હાલાકી પડે છે તે ઓછી થશે.'
જામનગરની જીજી હોસ્પિટલમાં નવ માસની બાળકીની સારવાર માટે તેના માતા-પિતા બાળકીને લઈને આવ્યા હતાં. અહી હોસ્પિટલમાં તબીબોએ તેની પ્રાથમિક તપાસ પછી પેટમાં આંતરડા ચોટી ગયા હોવાથી બાળકીને સોનોગ્રાફી માટે મોકલવામાં આવી હતી. જે માટે બાળકીનું ખાવા-પીવાનું પણ બંધ કરી દેવામાં આવ્યું હતું, પરંતુ કલાકો સુધી ભૂખી-તરસી બાળકીની સોનોગ્રાફી થઈ ન હતી. પરિણામે બાળકી સતત રડતી હતી. આખરે હોબાળો થયા પછી કલાકોના અંતે મધ્ય રાત્રિએ આ બાળકીની સોનોગ્રાફી થઈ હતી. આ સમગ્ર મુદ્દે ઉચ્ચ કક્ષાએ રજૂઆત થતા સરકારે તપાસના આદેશ આપ્યા છે. પરિણામે હોસ્પિટલના તબીબી અધિક્ષકે તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો: