જામનગર : ઇટાળા ગામે એક કોન્ટ્રાક્ટરે R&B વિભાગના આસિસ્ટન્ટ એન્જિનિયર પર હુમલો કર્યાનો બનાવ બન્યો હતો. R&B વિભાગના અધિકારી ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ આ સમગ્ર મુદ્દે પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.
આસિસ્ટન્ટ એન્જિનિયર હુમલો : આ અંગે પ્રાપ્ત માહિતી પ્રમાણે જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના ઇટાળા ગામે એક કોન્ટ્રાક્ટરે આર એન્ડ બી વિભાગના આસિસ્ટન્ટ એન્જિનિયર પર કર્યો હુમલો કર્યાની ઘટના બની છે. જેમાં આસિસ્ટન્ટ એન્જિનિયરને માથાના ભાગે તેમજ શરીરના અન્ય ભાગોમાં ઈજાઓ પહોંચી હતી. તેથી તેઓને તાત્કાલિક ધ્રોલની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
શું હતો મામલો ? સૂત્રના જણાવ્યા અનુસાર, આ કોન્ટ્રાક્ટર જૂનાગઢની સ્વસ્તિક કન્સ્ટ્રક્શન કંપનીમાં કામ કરે છે. કામમાં સિમેન્ટ યોગ્ય પ્રમાણમાં વાપરવામાં આવતી ન હતી, તેથી ઈજનેર બારડે કોન્ટ્રાક્ટરના માણસોને વધુ સિમેન્ટ વાપરવા કહેતા, બોલાચાલી થઈ હતી. જોકે ઈટાળાના ગ્રામજનોએ અધિકારીને બચાવી લીધાં હતાં અને સારવાર માટે ખસેડયા હતા. આ બનાવ બાદ સ્વસ્તિક કન્સ્ટ્રક્શન કંપનીના માણસો સાઇટ છોડી નાસી ગયા હોવાનું સૂત્રો જણાવે છે.
કર્મચારીઓએ કરી સુરક્ષાની માંગ : આ મામલે જામનગર કલેકટર કચેરી ખાતે દોઢસોથી વધુ કર્મચારીઓએ આવેદનપત્ર આપ્યું હતું. જેમાં ફિલ્ડમાં જતા કર્મચારીઓને તંત્ર દ્વારા સુરક્ષા પૂરી પાડવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. સાથે જ કર્મચારીઓને ગનનું લાઇસન્સ આપવામાં આવે તેવી પણ રજૂઆત કરી છે. જામનગર, જૂનાગઢ, મોરબી અને પોરબંદરના કર્મચારીઓ પણ આવેદનપત્ર આપવા સાથે આવ્યા હતા.
પોલીસ કાર્યવાહી : ઈજાગ્રસ્તને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ત્યારબાદ ફરિયાદીને આ મામલાને ધ્રોલ પોલીસ મથકમાં લઈ જવામાં આવ્યા હતા. ફરજમાં રૂકાવટ તેમજ જીવલેણ હુમલો કરવા સહિતની જુદી જુદી કલમો હેઠળ હુમલો કરનાર કોન્ટ્રાક્ટર સહિત સાત ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરાઈ છે. આ બનાવને લઈને ધ્રોલ પંથકમાં ભારે ચકચાર જાગી છે.