જામનગર : વાંસજાળીયામાં બેંકના કેશિયર સામે 34.45 લાખની ઉચાપત આચર્યાની ફરિયાદ નોંધાઈ છે. આરોપીએ તિજોરીની ચાવી મેળવીને પૈસા પોતાના અંગત કામ માટે લીધા હતા. હાલ આરોપી ફરાર છે, તેને શોધી કાઢવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. આ મામલો સામે આવતા બેંક વર્તુળોમાં ચકચાર મચી જવા પામી છે.
કેશિયરે કરી 34.45 લાખની ઉચાપત : આ અંગે મળતી માહિતી અનુસાર જામનગર ડિસ્ટ્રિક્ટ કો. ઓપ. બેંકની વાંસજાળીયા શાખાના કેશિયર સામે ફરિયાદ નોંધાઈ છે. જે અનુસાર આરોપીએ તિજોરીની ચાવી મેળવીને ગત મહિનાઓમાં 34.45 લાખની રકમ ઉપાડી લઈને પોતાના અંગત કામ માટે બેંકમાંથી લઈ ગયો હતો. આ અંગેનો મામલો સામે આવતા કેશીયર વિરૂધ્ધ ઉચાપતની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
ફરાર આરોપી સામે ફરિયાદ : જામનગર ગ્રામ્ય DySP રાજેન્દ્ર દેવધાએ માહિતી આપતા જણાવ્યું કે, જામજોધપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. આરોપી પૈસા પોતાના અંગત કામ માટે લઈ જતા મામલો પોલીસમાં પહોંચ્યો છે. હાલ કેશિયર ફરાર છે, તેને શોધી કાઢવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. મુદ્દામાલ જપ્ત કરવામાં આવશે તેમજ આગળની કાર્યવાહી કરવામાં આવશે.