જામનગર: જિલ્લામાં દિવાળીના તહેવાર બાદ રોગચાળાને લઈને ચિંતાજનક સ્થિતિનું નિર્માણ થયું છે. દિવાળી બાદ રોગચાળો જાણે બેકાબુ બન્યો હોય તેમ 6 દિવસમાં 138 ડેગ્યુના પોઝીટીવ કેસ નોંધાતા તંત્ર દોડતું થયું છે. ગત મહિનામાં 550 ડેગ્યુના કેસ નોંધાયા હતા, જ્યારે છેલ્લા પાંચ સપ્તાહમાં 688 ડેગ્યુના કેસથી હડકંપ મચી ગયો છે.
હોસ્પિટલ હાઉસફૂલ: નવેમ્બરમાં એક જ દિવસમાં ડેન્ગ્યુંના 44 કેસ સામે આવ્યા હતા. આ ઉપરાંત મેલેરીયા, તાવ-શરદીના અસંખ્ય કેસ સરકારી અને ખાનગી દવાખાનામાં દરરોજ આવતા હોવાથી ખાનગી દવાખાનામાં પણ દર્દીઓનો જાણે મેળાવડો જામતો હોય તેવા દ્રશ્યો જોવા મળે છે. આવા દ્રશ્યો જી.જી. હોસ્પિટલમાં હવે દરરોજ નજરે પડે છે. હાલ એવી સ્થિતિ ઊભી થઈ છે કે, દૈનિક 40 જેટલા ડેગ્યુના કેસ નોંધાય છે. પરિણામે સરકારી જી.જી. હોસ્પીટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે. હાલ હોસ્પિટલ હાઉસફૂલ જોવા મળી રહ્યા છે.
વરસાદી ઝાપડા અને બદલતા વાતાવરણના કારણે મચ્છરજન્ય રોગચાળો બેકાબુ બન્યો છે. જણાવા જેવી બાબત તો એ છે કે, ગત મહિનામાં સારવાર દરમિયાન 1 યુવાનનું ડેન્ગ્યુના કારણે મોત થયું હતું. ડેન્ગ્યુ ઉપરાંત જી.જી. હોસ્પિટમાં દૈનિક 700થી વધુ દર્દીઓ ઓપીડીમાં નોંધાય છે.
શરદી-તાવના કુલ એક હજારથી વધુ કેસ: જામનગરમાં મિશ્ર ઋતુના માહોલમાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં શરદી તેમજ શરદી-તાવના દર્દીઓની કતાર સર્જાઈ છે. સરકારી હોસ્પિટલ, કોર્પોરેશનના 12 દવાખાનાઓમાં શરદી-તાવના દૈનિક 300થી વધુ કેસ નોંધાય છે. તો ખાનગી દવાખાનાઓમાં પણ દર્દીઓની કતાર જોવા મળી રહી છે. કોર્પોરેશનના દવાખાનાઓમાં અઠવાડીયામાં શરદી-તાવના કુલ એક હજારથી વધુ કેસ નોંધાયા છે.
મિશ્ર ઋતુના વાતાવરણના કારણે રોગોમાં વધારો: આ જ રીતે કોર્પોરેશનના 12 આરોગ્ય કેન્દ્રોમાં પણ દર્દીઓનો ભારે ધસારો જોવા મળે છે. જી.જી. હોસ્પિટલમાં સરેરાશ દરરોજ 35 થી 40 જેટલા ડેન્ગ્યુંના કેસ નોંધાઇ રહ્યા છે. 6 નવેમ્બરના રોજ એક જ દિવસમાં ડેન્ગ્યુંના 44 કેસ સામે આવ્યા હતા. આવી જ સ્થિતિ શહેરના ખાનગી દવાખાના તેમજ હોસ્પિટલોની પણ છે, જ્યાં દૈનિક મોટી સંખ્યામાં લોકો શરદી-તાવની દવા લેવા પહોંચી રહ્યા છે. તેમજ દર્દીઓ ડોક્ટરોની સલાહ મુજબ ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટ કરાવે છે. શહેરમાં સર્જાયેલા મિશ્ર ઋતુના વાતાવરણના કારણે તેમજ મચ્છરોના વધેલા ઉપદ્રવને કારણે હોસ્પિટલોમાં દર્દીઓની ગીરદીથી રોગચાળાની સ્થિતિનો ખ્યાલ આવી રહ્યો છે.
આ પણ વાંચો: