રાજકોટ: રાજકોટમાં TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં 27 લોકોના મોત થયા હતા. આ અગ્નિકાંડ બાદ ગુજરાતમાં ફાયરની કામગીરી સામે અનેક સવાલો ઊઠ્યા હતા. આમ છતાં ફાયર વિભાગના ભ્રષ્ટ અધિકારીઓ ભ્રષ્ટાચારનો કરવાનું મુકતા નથી, ત્યાં વધુ એક ભ્રષ્ટ અધિકારી ઝડપાયો છે. ઇન્ચાર્જ ફાયર ઓફિસર અનિલ મારુએ ફાયર એનઓસી આપવા માટે 3 લાખની લાંચ માગી હતી, જેનો બીજો હપતો 1.80 લાખ લેવા જતાં રંગે હાથ ઝડપાયો છે.
રાજકોટ મહાનગરપાલિકાના ક્લાસ 1 ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અનિલકુમાર બેચરભાઈ મારુને જામનગર ACBએ 1.80 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો છે. ACB પાસેથી મળતી માહિતી મુજબ ફરિયાદી ફાયર સેફ્ટી ફિટિંગનું કામ કરે છે અને તે શહેરમાં એક બિલ્ડિગમાં પોતે કરેલા ફાયર સેફ્ટીના કામ અંગેનું એનઓસી લેવા ફાયર ઓફિસર પાસે ગયો હતો, જ્યાં ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અનિલકુમાર મારુએ તેની પાસે NOC આપવા 3 લાખની લાંચ માગી હતી, જોકે ફરિયાદીએ આ કામ માટે 1.20 લાખ રૂપિયા આપ્યા હતા અને બાકીના 1.80 લાખ ચાર-પાંચ દિવસમાં આપવાનું કહ્યું હતું.
જોકે ફરિયાદી લાંચની રકમ આપવા માગતો ન હોવાથી તેમણે જામનગર ACBનો સંપર્ક કર્યો હતો. ફરિયાદીની ફરિયાદ બાદ જામનગર ACBએ લાંચિયા અધિકારીને ઝડપી પાડવા છટકું ગોઠવ્યું હતું. આ દરમિયાન ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરે ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂપિયા 1.80 લાખ આપવા કહ્યું હતું. આ દરમિયાન અનિલ મારુએ ફરિયાદી પાસેથી લાંચના 1.80 લાખ નાણાં સ્વીકારતા જ જામનગર ACBએ તેને રંગેહાથ ઝડપી પાડ્યો હતો.
TRP અગ્નિકાંડ બાદ રાજકોટ મહાનગરપાલિકા ચીફ ફાયર ઓફિસર અને ડે.ચીફ ફાયર ઓફિસરની ધરપકડ થયા પછી ખાલી પડેલી ચીફ ફાયર ઓફિસરની જગ્યા પર રાજ્ય સરકારે કચ્છ-ભુજના અનિલ મારુની નિમણૂક કરી હતી. પણ અધિકારીઓ લાંચ લેવી જાણે પોતનો ધર્મ સમજતા હોય તેમ આ અધિકારીઓ લાંચ લેવાનું મુકતા જ નથી.