જામનગર : જામનગર શહેરમાં એક અઠવાડિયામાં જ હત્યાનો બીજો બનાવ સામે આવ્યો છે. શહેરના રાજપાર્ક વિસ્તારમાં 12 વર્ષીય બાળકીની તેના પાડોશમાં જ રહેતા શખ્સે છરીના ઘા મારી ઘાતકી હત્યા કરી હતી. આ મામલે પોલીસે તાત્કાલિક ગુનો નોંધી આરોપીને પકડવા કાર્યવાહી શરૂ કરી છે. જોકે, હત્યાનું કારણ અકબંધ છે, જે પોલીસ તપાસ બાદ સામે આવશે.
પાડોશી બન્યો હત્યારો : મૃતક બાળકીનો પરિવાર જામનગર શહેરના રાજપાર્ક વિસ્તારમાં રહે છે. મૃતકની માતા ટિફિન સર્વિસ ચલાવે છે. બનાવના દિવસે પાડોશમાં જ રહેતા વ્યક્તિએ તેમના ઘરેથી ટિફિન મંગાવ્યું હતું. માતા-પિતા કામ અર્થે બહાર ગયા હતા, જેથી બાળકી ટિફિન લઈને આરોપીના ઘરે ગઈ હતી. થોડીવાર બાદ બાળકી પર હુમલો થયો હોવાની સ્થાનિકોએ જાણ કરતા બાળકીની બહેન ત્યાં પહોંચી હતી. જ્યાં બાળકી લોહીલુહાણ હાલતમાં મળી આવી હતી અને આરોપીના ઘરમાંથી એક છરી પણ મળી હતી.
પોલીસ કાર્યવાહી : આ ઘટનાની જાણ પોલીસને કરતા જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ, Dysp જયવીરસિંહ ઝાલા અને સીટી એ પોલીસ સ્ટેશનના PI નિકુંજ ચાવડા સહિત LCB પોલીસ ટીમ જી.જી. હોસ્પિટલ પહોંચી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
કિશોરીનું કરુણ મોત : આ અંગે DySP જયવીરસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, બાળકી વિસ્તારમાં જ રહેતા યુવકના ઘરે કિશોરી ટિફિન આપવા ગઈ હતી. ત્યારબાદ એની બહેનને જાણ થઈ કે બાળકીની હત્યા થઈ ગઈ છે. એટલે બાળકીની બહેન અને માતા બાળકીને લઈને હોસ્પિટલ ગયા હતા. જ્યાં ડોક્ટરોએ બાળકીને મૃત જાહેર કરી હતી. આ બાબતે ફરિયાદ નોંધવાની તજવીજ ચાલુ છે અને આરોપીની શોધખોળ ચાલુ છે.
આરોપીએ છરીના 14 ઘા માર્યા : DySP જયવીરસિંહ ઝાલાએ વધુમાં જણાવ્યું કે, આ બનાવ પાછળનું કારણ આરોપી ઝડપાયા બાદ જાણી શકાશે. આરોપીએ બાળકીને છરીના અંદાજે 13 થી 14 ઘા માર્યા છે. આ આરોપીએ અગાઉ પોતાની પત્નીની હત્યા કરી હતી, જેનો ગુનો ખંભાળીયામાં દાખલ થયો હોવાની માહિતી મળી રહી છે. જે માહિતી હજી વેરીફાઇ કરવાની બાકી છે.