સુરત : જમ્મુ કાશ્મીર વિધાનસભામાં સત્રના પાંચમા દિવસે કલમ 370 મુદ્દે હોબાળો મચાતા દેશભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. એવામાં ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટિલે સમગ્ર ઘટના મુદ્દે કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ પાર્ટી પર આકરા પ્રહાર કર્યા હતા.
- બંધારણને તોડવું-મરોડવું કોંગ્રેસનો સ્વભાવ, તેમની મેલી મુરાદ ક્યારે પૂરી થશે નહીં : સી.આર. પાટીલ
કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલે સુરતમાં પત્રકાર પરિષદ યોજી જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં હંગામાની ઘટનાને વખોડી કાઢી હતી. સીઆર પાટીલે જણાવ્યું હતું કે, દેશના બંધારણને તોડવું-મરોડવું એ કોંગ્રેસ માટે ગમતો વિષય છે. નેશનલ કોન્ફરન્સ પાર્ટીના ધારાસભ્યોએ પહેલી વખત વિધાનસભામાં બંધારણના આધારે શપથ લીધા અને સંસદમાં લીધેલા નિર્ણયને તોડવાનો પ્રયાસ કર્યો છે. કોંગ્રેસના નેતાઓ હાથમાં બંધારણની કોપી લઈને ફરે છે, પરંતુ નેશનલ કોન્ફરન્સને આ મુદ્દે સપોર્ટ કરે છે.
- કલમ 370 દૂર થયા બાદ આતંકવાદી હુમલામાં 70 ટકા ઘટાડો થયો : સી.આર. પાટીલ
સંસદમાં સંપૂર્ણ બહુમતી સાથે અને ઊંડાણપૂર્વક ચર્ચા વિચારણાને અંતે જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 અને કલમ 35A રદ્દ કરવાનો નિર્ણય લેવાયો હતો, તેને તોડવાનો પ્રયાસ કોંગ્રેસ અને NC પાર્ટીના નેતા કરી રહ્યા છે. કલમ 370 દૂર થયા બાદ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હુમલામાં 70 ટકા ઘટાડો થયો છે. તેને કારણે જમ્મુ કાશ્મીરમાં દિકરીઓ, દલિત અને આદિવાસી સમાજના લોકોને અનેક અધિકારો પ્રાપ્ત થયા છે.
- કોંગ્રેસ અને NC પાર્ટીનો અસલી ચહેરો દેખાયો : સી.આર. પાટીલ
જોકે, કોંગ્રેસના નેતાઓ પાસેથી બંધારણ પ્રત્યેની વફાદારી ક્યા ગઈ તે જાણવું જરૂરી છે. તેઓ દિકરીઓ, દલિત-આદિવાસી સમાજને મળેલા અધિકાર છીનવી લેવા માંગે છે કે કેમ એ સમજાતું નથી. કોંગ્રેસ અને NC પાર્ટીનો અસલી ચહેરો દેખાય છે. જોકે, ગમે એટલી મેલી મુરાદ હશે, તે પૂરી થવાની નથી એવો સંપૂર્ણ વિશ્વાસ છે.