સુરેન્દ્રનગર: સરકાર દ્વારા પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ એટલે કે, ૨૫ જાન્યુઆરીના મોડી સાંજે અલગ-અલગ ક્ષેત્રમાં વિશેષ યોગદાન આપનાર દેશના ૧૧૦ વ્યક્તિઓની પદ્મશ્રી પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવી છે, જે પૈકી સુરેન્દ્રનગર જીલ્લાના પનોતા પુત્ર અને ઝાલાવાડનુ ગૌરવ એવા વિશ્વ પ્રસિદ્ધ હાસ્ય કલાકાર ડો.જગદીશભાઈ ત્રિવેદીની પણ કળા તેમજ સેવાકીય પ્રવૃતિઓ બદલ પદ્મશ્રી એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. પદ્મશ્રી માટે તેમના નામની જાહેરાત કરવામાં આવતા તેમના પરિવારજનો સહિત સમગ્ર ઝાલાવાડમાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી છે.
પદ્મશ્રી મળવા બદલ ડો.જગદીશભાઈ ત્રિવેદીને રાજકીય-સામાજિક આગેવાનો, હોદ્દેદારોએ સહિત શહેરીજનોનો અભિનંદન પાઠવી રહ્યાં છે. તો પદ્મશ્રી એવોર્ડ માટે પસંદગી બદલ ડો.જગદીશ ત્રિવેદીએ આનંદની લાગણી વ્યક્ત કરી સરકારનો આભાર વ્યક્ત કરી સેવાકિય પ્રવૃતિઓ આજીવન શરૂ રાખવાનો સંકલ્પ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પોતાના ૧૦૮માં મન કી બાત કાર્યક્રમમાં ડો.જગદીશભાઈ ત્રિવેદી દ્વારા શિક્ષણ, આરોગ્ય, પુસ્તકાલય માટે અત્યાર સુધીમાં આપેલ અંદાજે ૦૯ કરોડ જેટલી રકમના નિસ્વાર્થ દાન અને તેમના દ્વારા લિખિત સેવાનુ સરવૈયું નામના પુસ્તકનો પણ ઉલ્લેખ કર્યો હતો. જ્યારે ઝાલાવાડના વતની એવા ડો.જગદીશ ત્રિવેદીની પદ્મશ્રી પુરસ્કાર માટે પસંદગી થતા સુરેન્દ્રનગર જીલ્લાનું નામ દેશ-વિદેશ સુધી રોશન થયુ છે.