આણંદ: આજ રોજ એટલે કે અસાઢી બીજની સમગ્ર વિશ્વમાં રંગેચંગે ઉજવણી થવા જઇ રહી છે, ત્યારે ગુજરાતમાં પણ અમદાવાદ ખાતે 147મી રથ યાત્રાનું જોરશોરથી આયોજન થઈ રહ્યું છે. તેવામાં આ રથયાત્રામાં આણંદથી પણ એક રથ હજારો કિલો પ્રસાદ લઈને જાવાનો છે.
પરિવાર 91 વર્ષની ઉજવણીમાં જોડાયા છે: આણંદના ગણેશ ચોકડી પાસે આવેલ એક સત્સંગ મંડળના સભ્ય નીતિન ચૌહાણ દ્વારા તેમના પરિવારની પરંપરાગત રીતે 91 વર્ષની ઉજવણીમાં જોડાવવા માટેની તૈયારીઓ થઈ ગઈ છે. નીતિન ભાઈના પરિવારમાંથી લોકો છેલ્લા 91 વર્ષોથી રથયાત્રામાં પ્રસાદ વિતરણ અને અન્ય સેવા કાર્યમાં જોડાઈ રહ્યા છે.
રથની થીમ અબુ ધાબીનું સ્વામિનારાયણ મંદિર: આણંદમાંથી છેલ્લા 8 વર્ષથી નીતિન ચૌહાણ અને તેમનો પરિવાર સાથે સત્સંગ મંડળના સ્વયંસેવકો સાથે રથયાત્રાનું કાર્યભાર સાંભળી રહ્યા છે અને હવે અમદાવાદ ખાતે યોજાનાર 147મી રથયાત્રામાં સામેલ થવા માટેની આખરી તૈયારીઓ પૂર્ણ કરી રહ્યા છે. જેમાં આ વર્ષની રથની થીમ અબુ ધાબીના સ્વામિનારાયણ મંદિર આધારિત રાખવામાં આવી છે. જેમાં હજારો કિલો પ્રસાદ રાખીને સનાતન ધર્મને વિશ્વ સ્તરે મળી રહેલી સ્વીકૃતિનો પ્રચાર પ્રસાર કરવાનો અભિગમ અપનાવવામાં આવી રહ્યો છે.
રથને આણંદથી અમદાવાદ રવાના: સમગ્ર આયોજન અંગે માહિતી આપતા નીતિન ચૌહાણ અને તેમના પુત્ર શુભ ચૌહાણે હર્ષની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, તેમની આ ચોથી પેઢી આ સેવા યજ્ઞની સાક્ષી બની રહી છે અને આ વર્ષે તેમનો રથ 21માં નંબર પર પ્રદર્શિત થશે જેમાં 1000 કિલો ચોકલેટ સાથે 60,000 પેપ્સી, 400 કિલો મગ, 40 કિલો કાકડી અને 20 કિલો જાંબુને પ્રસાદ તરીકે વિતરણ કરવામાં આવશે જેમાં આ રથને આણંદથી અમદાવાદ ખાતે રવાના કરવામાં આવશે. ત્યારે અંદાજીત 40 થી 45 સેવકો પણ ભગવાન જગન્નાથજીની રથ યાત્રામાં જોડાશે.