વાપી: વલસાડ જિલ્લામાં 8મી જૂનથી મેઘરાજાએ પોતાનું હેત વરસાવવું શરૂ કર્યું છે. શનિવારે જિલ્લાના વિવિધ વિસ્તારમાં વરસેલા વરસાદ બાદ રવિવારે વાપી અને દમણ પંથકમાં વહેલી સવારે વરસાદ વરસ્યો હતો. જોકે, અસહ્ય તાપ બાદ વરસાદથી ઠંડક પ્રસરવાને બદલે હાલ વરસાદ બંધ થતાં જ ઉકળાટ વધ્યો છે.
રવિવારે વહેલી સવારે 7 વાગ્યાની આસપાસ વાપી અને દમણ વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. અંદાજીત 1 ઇંચ જેટલા વરસાદ વરસ્યો હતો. વરસાદ બાદ લોકોએ ઠંડકનો અનુભવ કરવાને બદલે ઉકળાટનો અનુભવ કર્યો હતો.
વરસાદથી વાહનચાલકોને હાલાકી: રવિવારે વરસેલા વરસાદથી વાપીના મુખ્ય માર્ગો પર પાણી વહયું હતું. વાપી નજીકથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 48 પર પાણી ભરાતા વાહનચાલકોએ હાલાકી અનુભવી હતી. વાપી શહેરના ઘણા વિસ્તારમાં પણ હજુ પ્રિમોન્સૂનની કામગીરી પૂર્ણ થઈ નથી. જેથી કેટલાક વિસ્તારોમાં ગટરો ઉભરાઈ હતી. સવારે વરસેલા વરસાદમાં કામધંધે નીકળેલા નાગરિકો ભીંજાયા હતાં. કેટલાક વરસાદથી બચવા છત્રીના સહારે નીકળ્યા હતાં.
વરસાદથી ગરમીનો પરી વધ્યો: વાપીની જેમ દમણમાં પણ સવારે વરસાદ વરસ્યો હતો. દમણમાં મુખ્ય માર્ગો ભીના થતા જનજીવન પ્રભાવિત થયું હતું. જો કે, એકાદ કલાક સુધી ધીમીધારે વરસેલા વરસાદથી લોકોને કોઈ જ રાહત થઈ નથી. આ દરેક વિસ્તારમાં હાલ ગરમીનો પારો 38 થી 40 ડિગ્રી સુધી રહ્યો છે. જેથી લોકો ગરમીમાં તોબા પોકારી ગયા હતાં. એવા સમયે શનિવારે અને રવિવારે વરસાદ વરસતા બે ઘડી ઠંડકનો એહસાસ જરૂર થયો હતો. પરંતુ જેવો વરસાદ બંધ થયો કે ફરી ઉકળાટ વધ્યો હતો. લોકો હવે આ ઉકળાટથી રાહત મેળવવા મેઘરાજા ભરપૂર આકાશી પાણી વરસાવી ધરતી માતાને ભીની કરે તેવી આજીજી કરી રહ્યા છે.
અન્ય વિસ્તારોમાં વરસાદ ગાજ્યો: સામાન્ય વરસાદમા ક્યાંક વેપારીઓએ બહાર રાખેલા તેમના માલસામાનનું નુકસાન પણ વેઠવું પડ્યું છે. ઉલ્લેખનીય છે કે, શનિવારે વલસાડ જિલ્લાના ઉમરગામ, વાપી, પારડી, ધરમપુર, વલસાડ તાલુકામાં અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. જ્યારે રવિવારે વહેલી સવારે વાપી, દમણ સિવાયના વિસ્તારો કોરા ધાકોર રહ્યા હતાં.