નવસારી: જિલ્લામાં ગતરોજ થી ભારે વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને જનજીવન પ્રભાવિત થયું છે. મોડી રાતથી જિલ્લાના નવસારી જલાલપુર અને ગણદેવી તાલુકામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. અવિરત વરસી રહેલા વરસાદના કારણે જિલ્લામાં અનેક જગ્યાએ ઘૂંટણ સમા પાણી ભરાયા છે. જ્યારે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે નદીઓની જળ સપાટીમાં વધારો થયો છે જેને લઈને તંત્ર દ્વારા કાંઠાવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. ભારે વરસાદના પગલે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે.
પૂરની સ્થિતિ સર્જાઇ: જિલ્લામાં ગતરોજ થી પડી રહેલા ભારે વરસાદને કારણે જિલ્લાનો જનજીવન પ્રભાવિત થયું છે. જલાલપુર તાલુકાના ખરસાડ ગામે ખાડીના પાણી ફરી વળતા પાંચ ફળિયામાં પૂરની સ્થિતિ બની છે. ગામમાં પાણી ભરાતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે, જેને કારણે પશુઓની પણ મુશ્કેલી વધી છે, તો બીજી તરફ ઘરમાં પાણી ભરાઈ જવાને કારણે ઘરવખરી પણ પલળી જતા ખૂબ નુકસાની થઈ છે. 2014માં તંત્ર દ્વારા ખાડીની સફાઈ કરવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ ખાડીની સફાઈ ન થતા લોકોમાં તંત્ર સામે રોષ વ્યાપ્યો હતો. ગામમાં પૂરની સ્થિતિને અટકાવવા ખાડીની સફાઈ કરવામાં આવે એવી માંગ ઉઠી રહી છે.
ખાડીની સફાઇ ન થતા પાણી ભરાયા: જલાલપુર તાલુકામાં ગતરોજ થી અત્યાર સુધીમાં પાંચ ઇંચ થી વધુ વરસાદ ખાબક્યો છે જેના કારણે જલાલપુર તાલુકાના ગામમાંથી પસાર થતી ખાડી સફાઈના અભાવે ગામમાં પાણી ભરાયા છે. ગામના પાંચ ફળિયામાં પૂરની સ્થિતિ સર્જાતા લોકોની સ્થિતિ વિકટ બની છે. 2014 માં ખાડીની સફાઈ થઈ હતી ત્યારબાદ ડ્રેનેજ વિભાગ દ્વારા ફક્ત આશ્વાસન અપાતા આજે ગામે પૂરની સ્થિતિ વેઠવાનો વારો આવ્યો છે.
- નવસારીમાં છેલ્લા 24 કલાકમાં કેટલો પડ્યો વરસાદ:
ક્રમ | સ્થળ | વરસાદ |
1. | નવસારી | 5.37 ઈંચ |
2. | જલાલપોર | 4.41 ઈંચ |
3. | ગણદેવી | 5.54 ઈંચ |
4. | ચીખલી | 4.62 ઈંચ |
5. | ખેરગામ | 5.41 ઈંચ |
6. | વાંસદા | 1.75 ઈંચ |
- નવસારી જિલ્લાની નદીઓની સપાટી:
ક્રમ | નદી | સપાટી |
1. | પૂર્ણા નદી | 10 ફૂટ (ભયજનક 23 ફૂટ) |
2. | અંબિકા નંદી | 9.74 ફૂટ (ભયજનક 28 ફૂટ) |
3. | કાવેરી નંદી | 9.50 ફૂટ (ભયજનક 19 ફૂટ) |
- નવસારીના જીલ્લની ડેમની સપાટી:
ક્રમ | ડેમ | સપાટી |
1. | જૂજ ડેમ | 153.30 મીટર (ઓવરફ્લો 167.50 મીટર) |
2. | કેલિયા ડેમ | 103.20 મીટર (ઓવરફ્લો 113.40 મીટર) |
ગ્રામજનોનો રોષ: ગામના સરપંચના કહેવા અનુસાર ત્રણ વર્ષથી સતત રજૂઆતો અને છેલ્લા બે મહિનાની આજીજી બાદ પણ ડ્રેનેજ વિભાગના અધિકારીઓના પેટનું પાણી હાલ્યું નથી. વરસાદ શરૂ થયો ત્યારે અઠવાડિયા પહેલા જેસીબી મોકલ્યું પરંતુ તે વ્યર્થ ગયું અને ખાડી સફાઈ ન થવાથી ગામની સ્થિતિ બગડી છે. ત્યારે ડ્રેનેજ વિભાગ સામે ગ્રામજનોમાં રોષ વ્યાપ્યો છે. જોકે ડ્રેનેજ વિભાગ એ ચોમાસા બાદ દિવાળીમાં પ્રથમ ખરસાડને સ્થાન આપી ખાડીની સફાઈ કરવાનું ફરી આશ્વાસન આપી દીધું છે ત્યારે સંબંધિત અધિકારીઓ સામે પગલાં ભરાય એવી ગ્રામજનોમાં માંગ ઉઠી છે.