જૂનાગઢ : સરકારી તંત્રનો અમાનવીય અભિગમ ના.કા. ઇજનેર તરીકે નિવૃત્ત થયેલા અધિકારીને જીવન પર્યંત નિવૃત્તિના લાભ નહીં આપતા સિંચાઈ વિભાગની મનમાની સામે જૂનાગઢ કોર્ટમાં દાવો કર્યો છે. સિંચાઈ વિભાગની કચેરી અને ઈજનેરની સર્વિસ બુક ગુમ કરનારા કર્મચારીના પગારમાંથી 50 હજાર રૂપિયાનો દંડ ફટકારીને નિવૃત નાયબ કાર્યપાલક ઇજનેરને નિવૃત્તિના લાભ આપવા આદેશ કર્યો છે.
સરકારી તંત્રનો ચકચારી કિસ્સો : સરકારી વિભાગની અણ-આવડતનો ધૃણાસ્પદ કિસ્સો જૂનાગઢ જિલ્લામાં સામે આવ્યો છે. સિંચાઈ વિભાગમાં નાયબ કાર્યપાલક ઈજનેર તરીકે સેવા નિવૃત્ત થયેલા નટુભાઈ ચૌહાણને વર્ષ 2004 સુધીમાં નિવૃત્તિના લાભ નહીં આપતા તેમણે જૂનાગઢ કોર્ટમાં દાવો કર્યો હતો. જૂનાગઢ કોર્ટે પણ નિવૃત્ત નાયબ કાર્યપાલક ઇજનેર ચૌહાણને નિવૃત્તિના લાભ તાકીદે ચૂકવવા હુકમ કર્યો હતો. પરંતુ સરકારનું આ નિમ્ભર તંત્ર ઈજનેરનું મોત થવા સુધી તેમને નિવૃત્તિના લાભ આપવા માટે ઠાગાઠૈયા કર્યા છે. જેને લઈને હવે મૃતક નાયબ કાર્યપાલક ઇજનેર નટુભાઈ ચૌહાણની પુત્રી સિંચાઈ વિભાગ સામે નિવૃત્તિના હક-હિસ્સા પરત મેળવવા માટે કાનૂની જંગમાં ઉતરી છે.
સેવા નિવૃત કર્મચારીની હક માટે લડાઈ : નટુભાઈ ચૌહાણ નાયબ કાર્યપાલક ઇજનેર તરીકે વર્ષ 2004 જૂનાગઢમાં નિવૃત્ત થયા હતા. સરકારી નિયમ પ્રમાણે કોઈ પણ નિવૃત્તિ પ્રાપ્ત સરકારી અધિકારી કે કર્મચારીના લાભ તેમના નિવૃત્ત થયાના બે માસની આસપાસ આપવા જોઈએ. પરંતુ આજે નિવૃત્તિ બાદ 20 વર્ષ જેટલો સમય થયો છે. આ દરમિયાન કાર્યપાલક ઇજનેર નટુભાઈ ચૌહાણનું અવસાન 4 જુલાઈ 2022 રોજ થયું. તેમ છતાં રાજ્ય સરકારનો સિંચાઈ વિભાગ તેમને નિવૃત્તિના લાભ આપવા માટે તૈયાર નથી. જૂનાગઢ કોર્ટમાં થયેલી દલીલ મુજબ નિવૃત્ત નાયબ કાર્યપાલક ઇજનેર નટુભાઈ ચૌહાણની સર્વિસ બુક વિભાગમાંથી ગુમ થઈ ગઈ છે. જેના કારણે તેમને નિવૃત્તિના લાભ આપવા માટે વિભાગ કાર્યવાહી કરી શકતો નથી.
જૂનાગઢ જિલ્લા કોર્ટનો હુકમ : જૂનાગઢ જિલ્લા કોર્ટે હુકમ કર્યો છે કે સમગ્ર કેસની વિગતોને ધ્યાને રાખીને કોઈપણ કર્મચારી કે અધિકારીની મહત્વની મનાતી સર્વિસ બુક ગુમ થવા બાબતે વિભાગની કચેરી અને જેના હસ્તક સર્વિસ બુકનું કામકાજ નોંધાયેલું છે, તે બંનેના વ્યક્તિગત પગારમાંથી 50 હજાર રૂપિયાનો દંડ ફટકારીને એક લાખ રૂપિયાની રકમ નટુભાઈ ચૌહાણના પરિવારજનોને તાકિદે ચૂકવવામાં આવે. આગામી દિવસોમાં સમગ્ર મામલામાં કોર્ટ સુનાવણી કરશે. ત્યારે નિવૃત્તિ બાદ 20 વર્ષ સુધી નિવૃત્તિના લાભ માટે લડી રહેલા અને અંતે 2022 માં અવસાન પામેલા નટુભાઈ ચૌહાણના પરિવારજનોને 20 થી 25 લાખ રૂપિયાનું વળતર વ્યાજ સાથે સિંચાઈ વિભાગ આપે તે માટેનો દાવો પણ મૃતક નાયબ કાર્યપાલક ઇજનેર નટુભાઈ ચૌહાણની પુત્રી દ્વારા જૂનાગઢ કોર્ટમાં ચલાવવામાં આવી રહ્યો છે.