ભાવનગર : ભાવનગરમાં અગાઉ પણ રેસનીંગનો અનાજનો જથ્થો બારોબાર વેચવાને લઈને અનેક કિસ્સાઓ સામે આવેલા છે. ત્યારે હાલમાં જ ભાવનગરના જિલ્લા પુરવઠા અધિકારીની કચેરી દ્વારા શહેરમાંથી જ એક રેશન શોપનું લાયસન્સ રદ કરીને પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. તો બીજો એવો કિસ્સો સામે આવ્યો છે કે રેશનના શોપમાં આપવામાં આવતો મીઠાની થેલીઓ જાહેરમાં ફેંકેલી હાલતે જોવા મળી હતી. જેને લઇને કલેકટરે શું કહ્યું તે જાણીએ.
અમારા વિભાગ દ્વારા તપાસ કરવામાં આવેલી છે અને જે ગેરરીતિ પકડી તે વિભાગે પકડી છે. દુકાનનો પરવાનો પણ રદ કરવામાં આવ્યો છે અને એમની સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. વધુ તપાસ ચાલુ છે. આની પહેલા મહુવામાં તળાજામાં બધી અલગ અલગ જગ્યાઓએ તપાસ થયેલી છે. અમારા મામલતદારો, જિલ્લા પુરવઠા અધિકારી એમની ટીમ મામલતદારની નીચેની ટીમોને આપવામાં આવતી કામગીરી કરતા હોય છે. તેના માટેનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે. અમારા કોઈ ફેરીયાઓ નથી હોતા. અમારું રેશન શોપમાં જ અનાજ આપવામાં આવતું હોય છે. તમારી સામે પણ ક્યાંય ગેરરીતિ આવે તો અમારું ધ્યાન દોરવાની પણ તમને વિનંતી છે...આર. કે. મહેતા (કલેક્ટર )
કાળિયાબીડમાં લાયસન્સ રદ : ભાવનગર શહેરમાં કાળીયાબીડમાં આવેલી રેશન શોપની દુકાનમાં જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા અચાનક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. કાળિયાબીડમાં રેશન શોપનું લાયસન્સ ધરાવતા હિતકરણસિંહ રતુભા ગોહિલને ત્યાં જિલ્લા પુરવઠા અધિકારી સહિતની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જ્યાંથી જિલ્લા પુરવઠા અધિકારીને ડેસ્કટોપ કોમ્પ્યુટરમાં 20 ફિંગર પ્રિન્ટ ઈમેજ તેમજ રબર ફિંગર પ્રિન્ટ 12 નંગ મળી આવ્યા હતા. આથી તેનું લાયસન્સ રદ કરવામાં આવ્યું અને ડેસ્કટોપ કોમ્પ્યુટર,રબર ફિંગર પ્રિન્ટ 12, મંત્રા થંબ ડિવાઇસ એક, સીપીયુ એક મળીને 14 હજારની ચીજ વસ્તુઓ સિઝ કરવામાં આવી હતી અને નીલમબાગ પોલીસ સ્ટેશનમાં સરકારી અનાજને સગેવગે કરવાની પોલીસ ફરિયાદ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી.
ફેંકાયેલ મીઠાની ઘટના ગઢેચી રેલવે ફાટક નજીક બની : કાળિયાબીડમાં જ રેશન શોપમાં ચેકિંગ કરતા ગેરરીતિ હોવાનું સામે આવ્યું હતું. ત્યાં જ એક દિવસ બાદ ભાવનગરના કુંભારવાડા તરફ જવાના માર્ગ ઉપર આવેલા ગઢેચી રેલવે ફાટક નજીક ખુલ્લી જગ્યામાં રેશન શોપમાં આપવામાં આવતા મીઠાની થેલીઓ ફેંકેલી હાલતે જોવામાં આવી હતી. જેની જાણ જિલ્લા પુરવઠા અધિકારીને કરવામાં આવતા સ્થળ ઉપર જઈને રોજ પંચ કામ કરવામાં આવ્યું હતું અને 17 જેટલા કોથળા મીઠાની થેલીના કબજે લેવામાં આવ્યા હતા. જો કે ત્યારબાદ જિલ્લા પુરવઠા અધિકારીએ કયા રેશન શોપ ધારકે આ કૃત્ય કર્યું છે તેને લઈને તપાસનો દોર શરૂ કર્યો હતો.
ગરીબોના રેશનના પગલે બનાવોને લઈ કલેકટરે શું કહ્યું : સરકાર ગરીબો માટે રેશન શોપમાં અનાજ જેવી રેશનની ચીજો આપી રહી છે ત્યારે ક્યાંકને ક્યાંક આ અનાજને લઈને બારોબાર વહીવટ થતા હોવાના કિસ્સાઓ ઘટેલા છે. તાજેતરમાં સરકારી અનાજ સગેવગે કરવાને પગલે કિસ્સો સામે આવ્યો છે અને ફરિયાદ નોંધાય છે. તો બીજી તરફ મીઠાની થેલીઓ ફેકેલી હાલતમાં મળી છે. ત્યારે જિલ્લા પુરવઠા અધિકારીની કચેરીને કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે.