જૂનાગઢઃ આજે વિશ્વ પરિવાર દિવસની ઉજવણી થઈ રહી છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા પરિવારના મહત્વ વિશે જનજાગૃતિ આવે અને પ્રત્યેક વ્યક્તિ પરિવારના પડકારોનો સામનો કરવાનું પ્રોત્સાહન મેળવે તે માટે 1994થી વિશ્વ પરિવાર દિવસની ઉજવણી થઈ રહી છે. આજે પરિવાર દિવસની ઉજવણીની 30મી વર્ષગાંઠ છે ત્યારે વધી રહેલા વિભક્ત કુટુંબોની વચ્ચે જૂનાગઢનો ચોકસી પરિવાર સાચા અર્થમાં પરિવાર શું કહેવાય તેનું આદર્શ અને ઉત્તમ દ્રષ્ટાંત પૂરું પાડે છે.
25 કરતાં વધુ સભ્યોઃ જૂનાગઢનો ચોકસી પરિવાર આજે ન માત્ર જૂનાગઢ પરંતુ સમગ્ર વિશ્વને પરિવારની ભાવના શું કહેવાય તેનું એક આદર્શ અને ઉત્તમ દ્રષ્ટાંત પૂરું પાડે છે. પરિવારના મોભી મનસુખલાલ ચોકસી આજે એક ઘરમાં એક સાથે ચોથી પેઢીનો પરિવાર જોઈ રહ્યા છે. આધુનિક સમયમાં પરિવારો ટૂંકા અને વિભક્ત થતા જાય છે તેનાથી બિલકુલ વિપરીત જૂનાગઢનો ચોકસી પરિવાર આજે પણ ગિરનાર પર્વતની માફક પારિવારિક ભાવનાને લઈને અડીખમ ઉભેલો જોવા મળે છે. એક સાથે 25 કરતાં વધારે પરિવારના સભ્યોના સુખ-દુઃખના તમામ પ્રસંગો એક છત નીચે અત્યાર સુધી વહેંચાતા રહ્યા છે.
ઘરની તમામ મહિલાઓ એકબીજાની પૂરકઃ ચોકસી પરિવારની 10 કરતા વધુ મહિલા સભ્યો પણ આજે પરિવારની વ્યાખ્યાને અક્ષરસહ ફળીભૂત કરી રહી છે. સામાન્ય રીતે એક સાસુ અને વહુ વચ્ચે સતત ખટરાગ જોવા મળે છે. જ્યારે ચોકસી પરિવારમાં 4 પેઢીની આ 10 કરતાં વધુ મહિલાઓ આજે પણ એકમેકના સુખ-દુઃખના સાથી જ નહિ પરંતુ સામાજિક અને ઘરના દૈનિક કામકાજોમાં પણ વહેંચણી કરીને એકબીજાના સહકારની સાથે મદદરૂપ બની રહી છે. ઘરના તમામ કામો મહિલાઓ કામની વહેંચણીથી સુપેરે પાર પાડે છે. 25 કરતાં વધુ સભ્યોનો આ પરિવાર આજે એક ભાણે જમી રહ્યો છે. આ સૌથી મોટી વાસ્તવિકતા એ છે કે આજે 2 વ્યક્તિને એક સાથે ભોજન કરતા જોવા ખૂબ મુશ્કેલ છે જ્યારે 25 સભ્યોનો આ પરિવાર અને ઘરની મહિલાઓ દ્વારા સ્વયં બનાવેલું ભોજન એક સાથે આરોગીને પરિવારની વ્યાખ્યા શું હોઈ શકે તે સમગ્ર વિશ્વને શીખવાડી રહી છે.
દરેક લોકોને 7 વાર હોય છે પણ અમારે 8મો વાર છે અને તે એટલે પરિવાર...જયેશ ચોક્સી(સભ્ય, ચોક્સી પરિવાર, જૂનાગઢ)