જુનાગઢ: આજે 21 જૂન એટલે કે વિશ્વ યોગ દિવસ એ સમગ્ર વિશ્વમાં ઉજવાય છે. અ સાથે ભારતના ખૂલે ખૂણે વસતા યોગવીરો માટે તો આ દિવસ અત્યંત મહત્વપૂર્ણ છે. એવી એક યોગવીર છે જૂનાગઢની માહિ વાછાણી. માહિએ યોગને દૈનિક જીવનનો હિસ્સો બનાવીને ભલભલાને મંત્રમુગ્ધ કરી દે તે પ્રકારે કઠિનમાં કઠિન યોગ કરે છે. અને તેના આ યોગ થકી તે માનસિક અને શારીરિક સ્વસ્થતા પ્રાપ્ત કરી રહી છે.
યોગમા પારંગત જુનાગઢની માહિ: માહી વાછાણી યોગમાં આજે પારંગત બની ચૂકી છે તે તેના છ વર્ષની સખત તાલીમ અને દૈનિક અભ્યાસનું પરિણામ છે. આજે માહી ખૂબ જ કઠિન ગણાતા યોગને પણ ચપટી વગાડતા જ કરી નાખે છે.
રાજ્યકક્ષાએ આયોજિત થતી યોગની સ્પર્ધાઓમાં પણ માહી વાછાણીએ ખૂબ જ સફળતા સાથે ઉજ્જવળ દેખાવ કરીને યોગ સ્પર્ધામાં રાજ્ય કક્ષાના અનેક ઇનામો પ્રાપ્ત કર્યા છે. ઉપરાંત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં જ પૂર્ણ થયેલી યોગ સ્પર્ધામાં પણ માહી જીતવામાં સફળ રહી હતી.
માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે યોગ: માહીએ યોગની મહારત તેની માતા વિમળાબેન વાછાણી પાસેથી વારસામાં મેળવી છે. વિમળાબેન વાછાણી પણ યોગમાં ખૂબ જ પારંગત છે. આજે તેઓ જૂનાગઢ જિલ્લાના યોગ કોચ તરીકે સફળતાપૂર્વક કામગીરી કરી રહ્યા છે.
માતાના નક્ષે કદમ પર ચાલીને માહી એ પણ યોગમાં વિશેષ મહારત હાસલ કરી છે. માહી માને છે કે, યોગ કરવાથી ન માત્ર શારીરિક જ નહીં પરંતુ માનસિક શાંતિનો પણ અનુભવ થાય છે. ઉપરાંત યોગ કરવાથી શરીરના આંતરિક અંગોને પૂરતા પ્રમાણમાં વ્યાયામ મળે છે જેને કારણે મેદસ્વિતા પણું અને અન્ય નાની-મોટી બીમારીઓ દૂર રહે છે. યોગ કરવાથી મન સ્ફૂર્તિથી ભરપૂર બને છે પરિણામે સમગ્ર દિવસ એકદમ હળવાફૂલ વાતાવરણમાં પૂર્ણ થાય છે.