અમદાવાદ: સાહિત્ય રસિકોની આતુરતાનો અંત આવ્યો છે. કેમ કે, અમદાવાદના આંગણે ફરી એક વખત પુસ્તક મેળો થઈ રહ્યો છે. 10-10 નેશનલ બુક ફેરના આયોજન બાદ આ વખતે શહેરમાં ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2024 હવે લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા ઉદ્ઘાટન: ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા સવારે 9:00 વાગ્યે આ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2024નું ઉદ્ઘાટન કરી જાહેર જનતા માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું. તેમજ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કર્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિવિધ પુસ્તકો ખરીદ્યા હતા. મુખ્યમંત્રીએ મધર ઓફ ડેમોક્રેસી- ઇન્ડિયા, વેદ કલ્પતરુ, સામૂહિક હિત કા દીપ જલે (મન કી બાત @100) અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી લિખિત એક્ઝામ વોરીયર્સ જેવા પુસ્તકોની ડિજિટલ પેમેન્ટથી ખરીદી કરી હતી.
આ તકે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં વિદ્યાર્થીઓને 'સમૃદ્ધ ભારત માટેના પાંચ વચન'નાં પ્રમાણપત્ર તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા લિખિત બુક 'એક્ઝામ વોરિયર્સ' બાળકોને આપવામાં આવી હતી.
મોટી સંખ્યામાં મહાનુભાવો ઉપસ્થિત: આ પ્રસંગે અમદાવાદ શહેરનાં મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, શહેરના ધારાસભ્યો અમિત શાહ, હર્ષદ પટેલ, જીતુ પટેલ, અમિત ઠાકર, અમુલ ભટ્ટ, ડેપ્યુટી મેયર જતીન પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી, મ્યુનિ. કમિશનર એમ.થેન્નારસન, ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી ભાગ્યેશ જ્હા, નેશનલ બુક ટ્રસ્ટના ચેરમેન મિલિંદજી તથા મ્યુનિ. કોર્પોરેશનના પદાધિકારીઓ અને અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં પુસ્તકપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સાબરમતીના કાંઠે વહેતી થઈ જ્ઞાનની નદી: આ વખતે નેશનલ બુક ટ્રસ્ટ ઇન્ડિયા કે જે દેશનો સૌથી મોટો બુક ફેર દિલ્હી ખાતે યોજાય છે. તે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બંનેના સહયોગથી આ વખતે અમદાવાદના આંગણે ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2024 યોજાઇ રહ્યો છે. સાબરમતી નદીના કિનારે રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર પર વિશાળ જગ્યામાં સાહિત્ય રસિકોને સાહિત્ય સાથે મનોરંજન અને જ્ઞાનનો ખજાનો આ બુક ફેસ્ટિવલમાં મળી રહેશે.
સાહિત્ય રસિકો માટે સુવર્ણ અવસર: આ પ્રસંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર પ્રતિભાબેન જૈન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, દેશ વિદેશના 147 જેટલા પ્રકાશકો દ્વારા પોતાના સ્ટોલ અહીં રાખવામાં આવ્યા છે. જે લોકોને સાહિત્યમાં રસ છે. તેમના માટે આ સુવર્ણ અવસર છે.
1000થી વધુ પ્રકાશકોના પુસ્તકો: આ સમગ્ર આયોજનમાં 100થી વધુ સાહિત્યિક કાર્યક્રમો, 300થી વધુ પ્રકાશકોના સ્ટોલ સહિત 1000થી વધુ પ્રકાશકોના પુસ્તકો સાથે અમદાવાદ ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ ગુજરાત સહિત દેશભરના પુસ્તક રસિકો અને સાહિત્યપ્રેમીઓ માટે સાહિત્યનું સરનામું બનશે. પુસ્તકોના રસથાળની સાથે સાથે અમદાવાદ ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલમાં મુલાકાતીઓ માટે લેખક મંચ, પ્રજ્ઞા શિબિર, જ્ઞાન ગંગા, રંગમંચ, અભિકલ્પ સહિતના આકર્ષણો ઉપલબ્ધ રહેશે.
દેશ-વિદેશના સાહિત્યકારોને વાચકોને મળશે: અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2024માં દેશ વિદેશના લેખકો-સાહિત્યકારો પોતાના વાંચકોને રૂબરૂ મળશે અને તેમનું માર્ગદર્શન પણ કરશે. જેમાં પદ્મશ્રી રઘુવીર ચૌધરી, પદ્મશ્રી કુમારપાળ દેસાઈ, પદ્મશ્રી જગદીશ ત્રિવેદી, પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ, મોનિકા હલાન, રામ મોરી, ઇ. વી. રામાકિશન, સૌરભ બજાજ, વિલિયમ ડેલરિમ્પલ, ગિલેર્મો રોડ્રિગ્ઝ માર્ટિન, મોનિકા કોવાલેસ્કો-સુમોવ્સ્કા અને મેટ્ટ જ્હોન્સન જેવા ખ્યાતનામ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સાહિત્યકારો, લેખકો અને વક્તાઓ વિવિધ વિષયો પર શ્રોતાઓ સાથે સંવાદ સાધશે.
બુક ફેસ્ટિવલને નિશુલ્ક રાખવામાં આવ્યો: આ બુક ફેસ્ટિવલને નિશુલ્ક રાખવામાં આવ્યો છે. કોઈપણ વ્યક્તિ અહીં નિશુલ્કપણે મુલાકાત લઈ શકે છે અને અહીં આવીને સાહિત્ય અને જ્ઞાન મેળવી શકે છે. સાથે અહીં યોજાનારા સંસ્કૃતિ તથા રવિ મંચના કાર્યક્રમો માં પણ તમામ લોકોને આવી શકે છે. જેમાં માત્ર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. https://forms.gle/craAgWAgEJRHhPcb7 લિંક પર રજિસ્ટ્રેશન કરીને બુક ફેસ્ટિવલ અંતર્ગત યોજાનારા વિવિધ સાહિત્યિક - સાંસ્કૃતિક કાર્યક્રમ નિઃશુલ્ક માણી શકશે.
આ પણ વાંચો: