જુનાગઢ: જુનાગઢ શહેરના આંતરિક માર્ગો જાણે કે, મગરની પીઠ જેવા બન્યા હોય તે પ્રકારનો માહોલ હવે સામે આવી રહ્યો છે. ચોમાસા દરમિયાન પડેલા અતિ ભારે વરસાદને કારણે જુનાગઢના મોટા ભાગના માર્ગો ખખડધજ હાલતમાં પહોંચી ગયા છે. જેને કારણે સ્થાનિક લોકોને ખાસ કરીને વાહનચાલકોને ખૂબુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
મગરની પીઠ જેવા જુનાગઢના માર્ગો
જુનાગઢ શહેરના માર્ગો ચોમાસા દરમિયાન જાણે કે મગરની પીઠ જેવા બની ગયા હોય તેવો સાર્વત્રિક માહોલ સમગ્ર જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં જોવા મળે છે. જુનાગઢમાં પડેલા અતિ ભારે વરસાદને કારણે મોટાભાગના આંતરિક માર્ગો પર ડામર કે સિમેન્ટ ધોવાઈ ગયા છે. જેને કારણે ચોમાસા પૂર્વે એકદમ લીસા લપાટ જોવા મળતા માર્ગો આજે એટલા જ ઉબડ ખાબડ બની ગયા છે. જેને કારણે શહેરના સ્થાનિક લોકોને મુશ્કેલી ભરી પરિસ્થિતિમાંથી પસાર થવાનો સમય આવી રહ્યો છે. ખખડધજ માર્ગો પરથી ચાલીને જવું પણ ખૂબ મુશ્કેલ જોવા મળે છે ત્યારે આવા માર્ગો પરથી વાહન લઈને કઈ રીતે નીકળવું તે પણ એક મોટો સવાલ બનીને ઊભો થયો છે.
પેસેન્જર રિક્ષા પણ આવવા માટે આનાકાની
જુનાગઢ શહેરના કાળવા ચોકથી લઈને એસટી ડેપો, ગિરિરાજ આંબાવાડી, હીરા બજાર, ભવનાથ સહિત મોટા ભાગના મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારના આંતરિક અને શહેરના મોટા માર્ગો ભારે વરસાદને કારણે ઉબડખાબડ બની ગયા છે. તેમાં માટી કામ જેવું કામ કરીને ખાડા ભરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેમાં પણ સફળતા ન મળતા આજે મોટાભાગના માર્ગો ઉબડખાબડ બન્યા છે. જેને કારણે અહીંથી વૃદ્ધો, સગર્ભા મહિલાઓ અને મુસાફરો માટેની પેસેન્જર રિક્ષા ભાડું કરવા સુધી તૈયાર નથી, તે પ્રકારે માર્ગોની હાલત ખખડધજ બની ગઈ છે. પાછલા ત્રણ ચાર વર્ષથી દર વર્ષે ચોમાસા દરમિયાન આ જ પ્રકારે મોટાભાગના માર્ગો ધોવાઈ જાય છે. જેને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. દિવાળી સુધીમાં કેટલાક માર્ગોનું પુરાણ થશે ત્યારબાદ માર્ગોના નવીનીકરણને લઈને કામ હાથ ધરાશે ત્યાં સુધીમાં ચોમાસું આવી જશે અને ફરી એક વખત વરસાદને કારણે આ માર્ગો મગરની પીઠ જેવા ઉબડખાબડ બની જશે. આ પ્રકારનો સીલસીલો પાછલા ઘણા વર્ષોથી જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં જોવા મળે છે. તેમ છતાં આજદિન સુધી કોઈ નક્કર અને કાયમી નિરાકરણ જુનાગઢ વાસીઓને મળ્યું નથી. તેનું દુઃખ પણ હવે લોકો વ્યક્ત કરી રહ્યા છે.