રાજકોટ : 15 ફેબ્રુઆરીના રોજ રાજકોટમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ રમવાની છે. આવતીકાલે ટીમ ઇન્ડિયા રાજકોટ આવી પહોંચશે. રાજકોટમાં ટીમ ઇન્ડિયા કાલાવડ રોડ પર સ્થિત સૈયાજી હોટલ ખાતે રોકાણ કરશે. ત્યારે હોટલ પ્રશાસન તરફથી પણ ટીમ ઇન્ડિયાને આવકારવા માટે વિવિધ તૈયારીઓ કરવામાં આવી છે. ગુજરાતી ગરબા સાથે ટીમ ઈન્ડિયાનું શાહી ઠાઠથી ભવ્ય સ્વાગત કરવામાં આવશે. ટીમ ઇન્ડિયાને રાજકોટમાં કાઠીયાવાડી ભોજન પણ પીરસવામાં આવશે. સૈયાજી હોટલ ખાતે ટીમ ઇન્ડિયાનું પાંચમી વાર આગમન થઈ રહ્યું છે, જેને લઈને હોટેલ સ્ટાફમાં પણ ખુશી અને ઉત્સાહ છે.
ગરબાના તાલે ભવ્ય સ્વાગત : સૈયાજી હોટલના ડિરેક્ટર ઉર્વેશ પુરોહિતે ETV BHARAT સાથે ખાસ વાતચીત કરી હતી. ભારતીય ક્રિકેટ ટીમના આગમન અને સ્વાગત અંગે વાત કરતા તેમણે જણાવ્યું કે, ટીમ ઇન્ડિયા સૈયાજી હોટેલ ખાતે પાંચમી વખત આવી રહી છે. જેને લઈને હવે હોટલ તંત્રને પણ ટીમ ઇન્ડિયાને કયા પ્રકારની જરૂરિયાત હોય છે તે તમામ બાબતની જાણકારી છે. આ વખતે સૈયાજી હોટેલ ખાતે ટીમ ઇન્ડિયાનું ગુજરાતી ગરબાથી ભવ્ય સ્વાગત કરવામાં આવશે. તેમજ અલગ અલગ જાતના વેલકમ ડ્રીંક પણ સર્વ કરવામાં આવશે.
કાઠિયાવાડી ભોજનના ચટાકા : ટીમ ઈન્ડિયાના ક્રિકેટરોને કાઠિયાવાડી ભોજનનો ચસ્કો છે. ત્યારે તેમના ભોજન મેન્યુની વાત કરવામાં આવે તો 13 તારીખના રોજ સૈયાજી હોટલમાં ટીમ ઇન્ડિયા માટે ગુજરાતી વ્યંજન આપવાની તૈયારી કરી છે. જે દરમિયાન સવારે બ્રેકફાસ્ટમાં ગાંઠિયા, જલેબી, થેપલા તેમજ બપોરના સમયે ગુજરાતી થાળી પીરસવામાં આવશે. જ્યારે ડિનરની વાત કરવામાં આવે તો ડિનરમાં કાઠીયાવાડી વઘારેલો રોટલો, દહીંની તિખારી સહિતના વ્યંજન રાખવામાં આવ્યા છે.
હાર્દિક પંડ્યાની પહેલી પસંદ કઢી-ખીચડી : ઉર્વેશ પુરોહિત વધુમાં જણાવ્યું હતું કે, મુખ્યત્વે પ્લેયરોની કોઈ વધારે પડતી રિક્વાયરમેન્ટ હોતી નથી. જોકે હાર્દિક પંડ્યા રાજકોટમાં આવે ત્યારે ડિનરમાં ખીચડી અને કઢી જ સૌથી વધારે મંગાવે છે. અગાઉ કેપ્ટન કૂલ એમએસ ધોની રાજકોટ આવતા ત્યારે તેઓ સવારે બ્રેકફાસ્ટમાં બટાકા-પૌવા સહિતની વ્યંજન આરોગતા હતા. લોકો કહેતા હોય છે કે વીઆઈપી પ્લેયરની માંગણી વધારે હોય છે, પરંતુ ખરેખર એવું હોતું નથી. આ પ્લેયર્સની ખૂબ ઓછી ડિમાન્ડ હોય છે. તેમજ તેઓ કોઈ પણ પ્રકારની તકલીફ સ્ટાફને આપતા નથી.
BCCI એ કરી આખી હોટલ બુક : ભારતીય ક્રિકેટ ટીમના રોકાણ માટે BCCI દ્વારા આખી સૈયાજી હોટેલ બુક કરવામાં આવી છે. ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ સહિત ટીમના કોચ અને BCCI નો સ્ટાફ પણ અહીં રોકાણ કરશે. આ સિવાય બહારના કોઈપણ વ્યક્તિને હોટલમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. ટીમ ઇન્ડિયા આવતીકાલથી 19 ફેબ્રુઆરી સુધી રાજકોટમાં રોકાવાની છે. ત્યારે તેમના ભોજનની વ્યવસ્થા માટે સૈયાજી હોટેલની ઈન્દોર, પૂના અને ભોપાલ સહિતની બ્રાંચમાંથી સ્પેશિયલ રસોઈયાને બોલાવાયા છે.
જીતની ઉજવણી જોવા જેવી હશે : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ સિરીઝમાં બંને ટીમ એક-એક ટેસ્ટ મેચ જીતી છે. જ્યારે ત્રીજી ટેસ્ટ મેચ રાજકોટના ખંડેરી સ્ટેડીયમ ખાતે રમાનાર છે. આ મેચમાં ભારે રસાકસી પણ જોવા મળશે. જેને લઈને ક્રિકેટપ્રેમીઓમાં ભારે ઉત્સાહ છે. ઉપરાંત ટીમ ઇન્ડિયા ટેસ્ટ મેચ જીતશે તો સૈયાજી હોટેલ પ્રશાસન તરફથી કેક કટીંગ તેમજ વિનિંગ સેરેમની દ્વારા જીતની ઉજવણીનું આયોજન પણ કરાયું છે.