પંચમહાલ: જિલ્લામાં ચાંદીપુરા વાયરસ વધુ વકર્યો છે. જિલ્લાના અલગ-અલગ વિસ્તારોમાં શુક્રવાર બપોર સુધીમાં ચાંદીપુરા વાયરસનાં વધુ 5 કેસ નોંધાયા હતા, પંચમહાલ જિલ્લા આરોગ્ય વિભાગની અલગ-અલગ ટીમો દ્વારા સર્વેલન્સ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
મોરવા હડફ તાલુકામાંથી 2 શંકાસ્પદ કેસો મળ્યા: મોરવા હડફ તાલુકાના ખાનપુર અને ખાબડા ગામેથી 2 શંકાસ્પદ કેસ મળી આવ્યા હતા, જેમાં ખાનપુર ગામના દોઢ વર્ષના બાળકનું મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે ખાબડા ગામના 1 વર્ષના બાળકને ચાંદીપુરા વાયરસનાં લક્ષણો દેખાયા બાદ ગોધરા સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.
ચાંદીપુરા કેસનો આંકડો 7 પર પહોંચ્યો: અન્ય કેસો ગોધરા તાલુકાના નંદાપુરા અને મોટી કાંટડી ગામેથી મળી આવ્યા છે. જ્યારે એક કેસ ઘોઘંબા તાલુકાના જીંજરી ગામેથી મળી આવ્યો છે, આમ જિલ્લામાં કુલ ચાંદીપુરા કેસનો આંકડો 7 પર પહોંચ્યો છે, જેમાંથી 3 બાળકોના મૃત્યુ થયા છે, જ્યારે 4 બાળકો હાલ વડોદરા ખાતે આવેલી એસએસજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
આરોગ્ય વિભાગ દ્વારા સર્વેલન્સની કામગીરી: જિલ્લામાં સતત વધી રહેલા કેસોને પગલે આરોગ્ય વિભાગ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં સર્વેલન્સની કામગીરી ઝડપી બનાવવામાં આવી છે. ચાંદીપુરા કેસ મળી આવેલા તમામ વિસ્તારોમાં દવાનો છંટકાવ સહિત મકાનોમાં તિરાડો પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. મોરવા હડફ ધારાસભ્ય નીમિષાબેન સુથારે પણ સર્વેલન્સ કામગીરીની સમીક્ષા હાથ ધરી હતી.