ગાંધીનગર : કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા પ્રધાન અમિત શાહ આજે ગાંધીનગર લોકસભા મત વિસ્તારની મુલાકાતે છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા 36 કરોડના ખર્ચે 30 જેટલી પ્રાથમિક શાળાને સ્માર્ટ સ્કૂલમાં રૂપાંતરિત કરવામાં આવી છે. આ પૈકી વસ્ત્રાપુર સરકારી વસાહત ખાતે આવેલ સ્માર્ટ સ્કૂલની મુલાકાત અમિત શાહે લીધી છે. અહીં અભ્યાસ કરી રહેલા બાળકો સાથે અમિત શાહે સંવાદ કર્યો છે. સાથે જ નારણપુરા ગામ ખાતે સ્થિત સ્માર્ટ સ્કૂલનું લોકાર્પણ કર્યું છે.
અમિત શાહ ગાંધીનગરની મુલાકાતે : કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે જણાવ્યું કે, 2024 ની ચૂંટણી પછી પ્રથમ વાર હું ગુજરાત આવ્યો છું. મંત્રી અને સાંસદ બન્યા પછી મારો પહેલો કાર્યક્રમ સમાજના ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો માટે આયોજિત કરાયો છે. ગુજરાતી જનતાએ ભાજપને 26 પૈકી 25 સીટ આપતા મતદારોનો આભાર વ્યક્ત કરું છું. આગામી પાંચ વર્ષમાં ગાંધીનગર મત વિસ્તારમાં વિકાસ થાય તે માટે સતત પ્રયાસ કરીશ.
પ્રાથમિક શાળાનું અપગ્રેડેશન : 2020 ની નવી શિક્ષણ નીતિ અંતર્ગત સ્માર્ટ સ્કૂલ યોજનામાં 36 કરોડના ખર્ચે 30 સ્માર્ટ સ્કૂલ બની છે. જેમાં ઘાટલોડિયામાં 9, વેજલપુરમાં 10, નારણપુરામાં ચાર અને સાબરમતીમાં સાત સ્માર્ટ સ્કૂલનું આજે લોકાર્પણ થયું છે. સ્માર્ટ સ્કૂલમાં 30 હજારથી વધુ બાળકોને સીધો ફાયદો મળવાનો છે. ગાંધીનગર મતવિસ્તારમાં 69 પૈકી 59 સ્કૂલ સ્માર્ટ બની છે. હવે માત્ર 10 સ્કૂલ બચી છે, તે પણ ટૂંક સમયમાં સ્માર્ટ શાળા બનશે.
અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ : ગુજરાત આરોગ્ય જનસેવા શિક્ષણ ઉપયોગ સહિત દરેક ક્ષેત્રમાં આગળ વધ્યું છે. સરકારી શાળાઓ પણ અધ્યતન બની છે. હજારો વિદ્યાર્થીઓ ખાનગી શાળામાંથી સરકારી શાળામાં આવ્યા છે. 34,200 થી વધુ વિદ્યાર્થીઓને સ્માર્ટ શાળાનો લાભ મળશે. અમિત શાહે જણાવ્યું કે, અમે ભણતા હતા ત્યારે નવમા દસમામાં બાયોલોજી અને ફિઝિક્સનો કોર્સ હતો, તે છઠા અને સાતમા ધોરણના વિદ્યાર્થીઓ ભણતા થયા છે. સ્માર્ટ સ્કૂલથી ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોના જીવનમાં પ્રગતિ આવી છે.
કન્યા કેળવણી માટે પહેલ : આ પ્રસંગે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, ગાંધીનગરમાં અમિત શાહને 10 લાખથી વધુ મત મળ્યા છે. મોદી સરકારે સર્વપ્રથમ નિર્ણય ગરીબોને 3 કરોડ આવાસ આપવાનો કર્યો છે. ગરીબોને શિક્ષણની ભેટ આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમ શરૂ કર્યા હતા. આ બંને યોજનાઓને કારણે ડ્રોપ આઉટ રેશિયો રાજ્યમાં ઘટી ગયો છે. લોકો પોતાની દીકરીઓને શિક્ષણ આપે તે માટે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજના સરકારે શરૂ કરી છે. નમો સરસ્વતી યોજનામાં ધોરણ 11 અને 12 માં રુ. 25 હજારની સહાય આપવામાં આવે છે.
સ્માર્ટ શાળા એટલે શું ?
અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા અત્યાર સુધી 30 સ્માર્ટ શાળાઓ બનાવી દેવામાં આવી છે. આવનાર સમયમાં તમામ વોર્ડમાં સ્માર્ટ શાળાઓ બનાવવાનો લક્ષ્યાંક નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો છે. છેલ્લા કેટલાક વર્ષોથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળામાં સ્માર્ટ સ્કૂલ, અંગ્રેજી માધ્યમની શાળાઓ ઉપરાંત અદ્યતન સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. સ્માર્ટ સ્કૂલ ઇન્ટરનેટ કનેક્ટીવીટી સાથે કોમ્પ્યુટર અને લેપટોપ સહિતના ઉપકરણોથી સજ્જ થઈ રહી છે. આવી સ્માર્ટ શાળામાં બાળકો જાતે જ સ્માર્ટ ટીવીનો ઉપયોગ કરીને સ્માર્ટ જ્ઞાન સંવર્ધન કરી શકે છે.
સ્માર્ટ શાળામાં વિઝ્યુલાઇઝેશન દ્વારા બાળકો અસરકારક રીતે ભણતરના પાઠ શીખે છે. ઇન્સ્ટોલ થયેલ અભ્યાસક્રમો સ્માર્ટ બોર્ડ દ્વારા ભણાવવામાં આવે છે. જેમાં 36 પ્રકારના વિવિધ ઉપકરણો દ્વારા બાળકો આનંદથી અભ્યાસ કરે છે. ઇન્ટિગ્રેટેડ ડિજિટલ ટીચિંગ ડિવાઇસની મલ્ટિમીડિયા કન્ટેન્ટ દ્વારા ગુજરાત સરકાર માન્ય તૈયાર કરાયેલા અભ્યાસક્રમને સ્માર્ટ ક્લાસમાં ભણાવવામાં આવે છે. મેથ્સ અને સાયન્સ લેબમાં ધો. 1થી 8ના અભ્યાસક્રમનું વર્કિંગ મોડલ રજૂ કરાય છે, જે માટે શિક્ષકોને ખાસ તાલીમ આપીને આશરે 100 ગણિત અને વિજ્ઞાનના મોડેલ રજૂ કરવાનો પ્રયાસ કરાશે.
સ્માર્ટ શાળા અંતર્ગત એની ટાઇમ એની વેર લર્નિંગના ધ્યેયને હાંસલ કરવા ફેન્સી બેન્ચીસ સાથે ઇનડોર નેટવાળો ફ્યૂચર ક્લાસરૂમ પરંપરાગત શિક્ષણથી અલગ વાતાવરણનું નિર્માણ કરે છે. સ્માર્ટ શાળામાં કલરફુલ બેન્ચીસ, અમુક તાપમાને ઓટોમેટિક ઇનપુટ આપતું અગ્નિશામક યંત્ર, વિદ્યાર્થીઓના શારીરિક અને માનસિક કૌશલ્યના વિકાસ માટે રમત ગમતના સાધનો, 250 માઇક્રોન પીવીસી શીટમાં 109 માઇક્રોન લેમિનેશન સાથે થ્રી-ડી એજ્યુકેશન ચાર્ટ તેમજ બાળકોને લેપટોપ મૂકવા લોકર અને શૂ-રેકની સુવિધા પણ અપાઈ છે.