ઉના: ઉના અને ગીર ગઢડા તાલુકામાંથી પોલીસે પકડી પાડેલા દારુનો નાશ કરતી વખતે કેટલીક દારુની બોટલો ગીર ગઢડા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલની ખાનગી કારમાંથી મળતા સોમનાથ પોલીસ ચોંકી ઉઠી હતી. સમગ્ર મામલો વધુ વિવાદિત બને તે પૂર્વે જ પોલીસ કોન્સ્ટેબલ મનસુખ વાજાની ગીર ગઢડાથી હેડ ક્વાટર ખાતે બદલી કરીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
નાશ કરવાનો દારૂ પોલીસની ખાનગી કારમાં
પોલીસ દ્વારા વર્ષ દરમિયાન કરવામાં આવેલી કામગીરી અંતર્ગત પકડવામાં આવેલો વિદેશી દારૂનો ચોક્કસ જથ્થો સરકારના નિયમ અનુસાર પોલીસ મથકમાં જમા થતો હોય છે. જેને પ્રાંત અધિકારી કે વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં સ્થળ પર પંચનામુ કરીને નાશ કરવાની સરકારી પ્રક્રિયા મોટા ભાગના પોલીસ સ્ટેશનમાં કરાતી હોય છે. જેમાં પોલીસે પકડેલો દારૂ રોડ રોલર મારફતે નાશ કરવામાં આવે છે. આ જ પ્રકારે ઊના અને ગીર ગઢડા તાલુકામાંથી પકડાયેલા દારૂના જથ્થાનો નાશ કરવા માટે પોલીસ અને મહેસુલી કર્મચારીની હાજરીમાં ટ્રેક્ટર મારફતે દારૂને ઉના લઈ જવાતો હતો. જ્યાં કેટલીક બોટલો ગીર ગઢડા પોલીસ માથકના હેડ કોન્સ્ટેબલ મનસુખ વાજાની ખાનગી કારમાંથી મળી આવતા સમગ્ર મામલો ચર્ચાસ્પદ બન્યો હતો. પોલીસે પણ મામલો વધુ આગળ વધે તે પૂર્વે જ પોલીસ કોન્સ્ટેબલ મનસુખ વાજાની ગીર ગઢડાથી વેરાવળ પોલીસ હેડક્વાર્ટર ખાતે બદલી કરીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
પોલીસ અધિક્ષકે આપી વિગતો
સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાએ સાર્વત્રિક રીતે માધ્યમોને જે વિગતો આપી છે, તે મુજબ જે પોલીસ કોન્સ્ટેબલ પર નાશ કરવાનો દારૂ પોતાની ખાનગી કારમાં રાખવાનો આરોપ લગાવવામાં આવ્યો છે અને વીડિયોમાં પણ આ જ પ્રકારે જોવા મળી રહ્યું છે. તેને ધ્યાને રાખીને તુરંત આરોપી પોલીસ કોન્સ્ટેબલની ગીર ગઢડા થી વેરાવળ હેડ ક્વાર્ટર ખાતે બદલી કરીને તપાસના આદેશ કરવામાં આવ્યા છે. હાલ પૂરતો પોલીસ હેડ કોન્સ્ટેબલ મનસુખ વાજા પર નાશ કરવાનો દારૂ તેની ખાનગી કારમાં લઈને લઈ જવાનો આરોપ છે. આ મામલામાં પંચ અને અન્ય સરકારી કર્મચારી અને અધિકારીઓ જે દારૂના નાશ કરવાના સ્થળ પર હતા તેની તમામ વિગતો મેળવ્યા બાદ સમગ્ર મામલામાં જો આરોપી પોલીસ કોન્સ્ટેબલ નાશ કરવાનો દારૂ અન્યત્ર લઈ જવાના કિસ્સામાં ગુનેગાર સાબિત થશે તો તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી પણ થઈ શકે છે.
આ પણ વાંચો: