સુરત: જિલ્લામાં હત્યાના બનાવો અટકવાનું નામ નથી લઈ રહ્યાં. ત્યારે રાંદેર વિસ્તારમાં વહેલી સવારે એક યુવકની હત્યા થઈ હતી. આ હત્યા મિત્રએ જ મિત્રની કરી હોવાનું સામે આવ્યું છે. જેથી પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. જો કે, હત્યાને અંજામ આપીને હત્યારો ફરાર થઈ ગયો હોવાથી તેને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યાં છે.
બન્ને યુવક સારા મિત્રો હતા: આ અંગે મળતી માહિતી પ્રમાણે, સુરતના રાંદેર વિસ્તારમાં આવેલી બાપુનગર સોસાયટીમાં રહેતા બે મિત્ર વચ્ચે પૈસાની લેતી-દેતી બાબતે ઝઘડો થયો હતો. બાપુનગર સોસાયટીમાં રહેતા મુનાફ શકીલ શેખ અને ફારુક મોહમ્મદ અસલમ ઉર્ફે ફારુખ પટેલ એક જ સોસાયટીમાં રહેતા હતા અને બન્ને સારા મિત્રો હતા.
ફારુકે ચપ્પુ વડે મુનાફ પર હુમલો કર્યો: આજે વહેલી સવારે 5.30 વાગ્યે બંને મક્કાઈ પુલ ઊતરતા ચિસ્તિયા હોટલ પાસે ઊભા હતા ત્યારે જૂના હિસાબના પૈસાની લેતી-દેતી બાબતે ઝઘડો થયો હતો. 750 રૂપિયા મુનાફને ફારુખ પાસે લેવાના હતા. આ દરમિયાન ફારુખે કહ્યું "મારે તને 450 રૂપિયા જ આપવાના છે." ત્યારે મુનાફ અને ફારુખ વચ્ચે ફક્ત 300 રૂપિયા મામલે ઝઘડો થયો હતો. આ દરમિયાન ફારુખે પોતાની પાસે રહેલા ચપ્પુ વડે મુનાફ પર હુમલો કર્યો હતો.
મુનાફ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો: ફારુખે મુનાફને આડેધડ ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા, જેથી મુનાફ લોહી-લુહાણ હાલતમાં ત્યાં ઢળી પડ્યો હતો. બાદમાં ઘટનાની જાણ પરિવારજનોને થતાં તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાને પગલે રાંદેર પોલીસે લાશને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
બન્ને મિત્રો મજૂરી કરી પરિવારને મદદ કરતા: ઉલ્લેખનીય છે કે મૃતક મુનાફ શકીલ શેખ અને ફારુખ પટેલ બન્ને એક સોસાયટીમાં રહેતા હતા અને મિત્રો હતા. બન્ને મિત્રો મજૂરી કરી પરિવારને મદદ કરતા હતા. આ દરમિયાન રૂપિયાની લેતી-દેતી થઈ હતી અને માત્ર 300 રૂપિયાની લેતી-દેતીમાં હત્યા કરવામાં આવી હતી.