મહેસાણા: સરકારી દવાખાનાઓમાં આરોગ્ય કર્મચારીઓ ઘણીવાર સરકારી યોજનાઓમાં આંકડા બતાવવા માટે ઘણી વાર ન કરવાનું કરી નાખતા હોય છે. ટાર્ગેટ પૂર્ણ કરવા માટે કેમ્પ ઉભા કરીને ખોટા ટેસ્ટ કરીને ઓપરેશન્સ કરી નાખતા હોય તેવી ઘટનાઓ અવારનવાર બને છે. ત્યારે આવી જ એક ઘટના મહેસાણામાંથી સામે આવી છે. મહેસાણાના એક 30 વર્ષીય યુવક જેના 1 માસ પહેલા લગ્ન હતા. તેને નસબંધીના સરકારી કેમ્પમાં યુવકની નશાની હાલતમાં નસબંધી કરી નાખી હોવાની ઘટના સામે આવી છે.
યુવકની નસબંધી કરી નાખ્યાનો આક્ષેપ: સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મહેસાણાના નંદાસણ નજીક શેઢાવી ગામ નજીક વગડામાં રહેતો યુવક આ ઘટનાનો ભોગ બન્યો છે. યુવકનો આક્ષેપ છે કે, યુવકનો એક મહિના પછી લગ્ન હતા. તે પહેલા યુવકની નસબંધી કરી નાખવામાં આવી છે. પીડિત યુવકે આક્ષેપ કર્યો છે. તે મુજબ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કર્મચારી તેને લઇ ગયો હતો. જે બાદ તેને ચીકુ અને જામફળ ઉતારવાનું કહી તેને લઇ જવામાં આવ્યો હતો. જ્યાં તેને દારુ પીવડાવવામાં આવ્યો હતો અને નશામાં યુવકને હોસ્પિટલ ખાતે લઇ જઇ તેનો અંગૂઠો લઇ લીધો હતો. ત્યારબાદ લલચાવી અને ફોસલાવી યુવકનું નસબંધીનું ઓપરેશન કરી નખાયું હતું.
યુવક ભાનમાં આવતા નસબંધી થયાનું જણાયું: જ્યારે આ યુવક સવારે ભાનમાં આવતા તેની નસબંધી થઇ ગઇ હોવાનું તેને જાણ થતા તેના માથે આભ ફાટી નીકળ્યું હતું. યુવકના આક્ષેપ મુજબ તેને જે શખ્સ લઇ ગયો તેણે રુ.200 લીધા અને યુવકને રુ 2000 આપ્યા હતા. સમગ્ર ઘટનામાં 3 દિવસ પહેલા યુવકની નસબંધી કરી હોવાનું જણાયું છે.
આરોગ્ય વિભાગના કર્મચારીની ભૂલથી ઓપરેશન થયું - જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મહેશ કાપડિયા
આ સમગ્ર ઘટના અંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ મહેશ કાપડિયાએ જણાવ્યું કે, આરોગ્ય વિભાગના કર્મચારીની ભૂલ થઈ છે. ધનાલી આરોગ્ય કેન્દ્રના કર્મચારીની ભૂલથી યુવકનું ખોટું ઓપરેશન થયું છે. ભૂલ કરનાર આરોગ્યકર્મી વિરૂદ્ધ સસ્પેંશન સુધીની કાર્યવાહી થશે . 22 નવેમ્બર થી અત્યાર સુધી NSV કેમ્પમાં 28 ઓપરેશન થયા છે. આ કેમ્પમાં નવી શેઢાવીના યુવકનું ઓપરેશન કરાવી દેવાયું હતું. આરોગ્ય વિભાગના કહ્યા મુજબ યુવકનો અંગૂઠો લેવાયો અને સહાય પણ અપાઈ હતી. તેમના જણાવ્યા મુજબ નસબંધી ઓપરેશન પહેલા યુવકની પત્નીની મંજૂરી લેવાય છે. આ કેસમાં યુવક અપરણિત હતો અને તેના પરિવારમાંથી કોઈની મંજૂરી પણ લેવાઈ નથી, છતાં ઓપરેશન કર્યું એટલે આરોગ્ય કર્મચારીની ભૂલ છે.
આ પણ વાંચો: