મહીસાગર: જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત છે. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ ટીમો બનાવી માખીઓ પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં સંતરામપુર તાલુકામાંથી 17 શંકાસ્પદ માખીઓને આરોગ્ય વિભાગ દ્વારા પકડી પાડવામાં આવી છે. ગત દિવસોમાં મહીસાગર જિલ્લામાં ચાંદીપુરાના શંકાસ્પદ બે કેસ સામે આવ્યા હતા. જેમાં બંને બાળકીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે.
વડોદરા સિવિલ હોસ્પિટલમાં બાળકીનું મોત: સમગ્ર ગુજરાતમાં ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવ્યો છે. 2 દિવસ પહેલાં મહીસાગર જિલ્લામાં ચાંદીપુરાના વાયરસના કારણે એક બાળકીને ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા હતા. તેના કારણે બાળકીને વડોદરા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવેલ હતી. જ્યાં બાળકીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
આરોગ્ય વિભાગે 17 માખીઓ પકડી: મહીસાગર જીલ્લામાં ચાંદીપુરા વાયરસને લઈ તંત્ર એલર્ટ બન્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ ટીમો બનાવી 17 માખીઓ પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સંતરામપુર તાલુકામાંથી 17 શંકાસ્પદ માખીઓને આરોગ્ય વિભાગ દ્વારા પકડીને લેબ ટેસ્ટિંગ માટે મોકલવામાં આવી છે.
આરોગ્ય વિભાગની 227 ટીમો કાર્યરત: જિલ્લા આરોગ્ય અધિકારી સી.વી.પટેલે જણાવ્યું હતું કે, આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા હાઉસ વિઝીટ કરવામાં આવે છે, સાથે સાથે ઇન્ડોર સ્પ્રે પણ ચાલુ કરવામાં આવેલ છે. આરોગ્ય વિભાગની 227 ટીમો કામ કરી રહી છે અને આંગણવાડી, શાળાઓ અને આશ્રમશાળામાં પણ ડસ્ટિંગ કરવામાં આવ્યું છે.
મદદ માટે WHATSAPP નંબર જાહેર કરાયો: આરોગ્ય વિભાગે 9925785955 નંબર પણ જાહેર કર્યો છે. આ જાહેર નંબર ઉપર કોઈનો મદદ માટે WHATSAPP મેસેજ આવે તો તાત્કાલિક એ બાળકને રિપોર્ટ કરવામાં અમારી ટીમ મદદ કરે છે. અને હાલ કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે અમારી ટીમ તૈયાર છે. 2 શંકાસ્પદ હતા. જેમાં 1 બાળકીનું મૃત્યુ થયું છે.