જામનગર: જામનગરના મચ્છરનગરમાં એક મકાનમાં બે શખ્સે જ્વલનશીલ પ્રવાહી છાંટી આગ ચાંપી દીધી હતી. ભભૂકેલી આગમાં તે ઘરનો સામાન અને રૂ.૧ લાખ ૪૫ હજાર રોકડા સળગી ગયા છે. મકાનમાં રહેતા પ્રૌઢાના પુત્ર સાથે પૈસા બાબતે બોલાચાલી થયા પછી બે શખ્સે ઘર સળગાવ્યાની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. પોલીસે બંને શખ્સની શોધ આરંભી છે.
કેવી રીતે ઘટી ઘટનાઃ જામનગરના ગાંધીનગર વિસ્તાર પાસે આવેલા મચ્છર નગર નજીકના હાઉસીંગ બોર્ડના બ્લોક નં.૨૩માં બ્લોક નં.૨૭૦માં રહેતા જયોત્સના બેન રમેશભાઈ પાનસુરીયા નામના મહિલા અને તેમનો નાનો પુત્ર પોતાના ઘરે હતા ત્યારે પુનીતનગરમાં રહેતો હિતરાજસિંહ વિક્રમસિંહ વાળા તથા ગાંધીનગરમાં રહેતા યશપાલસિંહ વાળા ધસી આવ્યા હતા. આ શખ્સોએ જયોત્સના બેનને તેમનો પુત્ર કિશન ક્યા છે તેમ પૂછ્યું હતું અને ત્યારપછી આ શખ્સો ચાલ્યા ગયા હતા. થોડીવાર પછી આ બંને શખ્સ ચાર શીશામાં પેટ્રોલ જેવું પ્રવાહી ભરીને આવ્યા પછી તેઓએ જયોત્સનાબેનના ઘરમાં તેનો છંટકાવ કરી દીવાસળી ચાંપી દીધી હતી.
મહિલા કરગરતી રહી અને શખ્સોએ ઘર સળગાવ્યુંઃ બીજી તરફ ફરિયાદીએ મીડિયા સમક્ષ એવું જણાવ્યું કે, આ બનાવના આરોપીઓ બંને અમોને અવાર-નવાર ધમકી આપતા હતા અને ફરિયાદીને કહેલું કે તમે જ અમારા દારૂના ધંધા અંગે પોલીસને જાણ કરો છો, તેવા આક્ષેપ સાથે આ બંને શખ્સોએ આ કૃત્ય કર્યું છે. અગાઉ કિશન પાનસુરીયા સાથે પૈસા બાબતે હિતરાજને બોલાચાલી થઈ હતી. તેનો ખાર રાખી આ શખ્સોએ જયોત્સનાબેન કરગરતા હોવા છતાં દીવાસળી ચાંપી દેતા આખુ ઘર સળગી ઉઠ્યું હતું. આ વેળાએ ધમકી આપી બંને શખ્સ પલાયન થઈ ગયા હતા. જોતજોતામાં વકરેલી આગની જ્વાળામાં ઉપરોક્ત ઘરનો મોટાભાગનો સામાન તથા ઘરમાં રાખેલી રૂ.૧ લાખ ૪૫ હજારની રોકડ રકમ સળગીને ખાખ થઈ ગઈ હતી.
આ બનાવની સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જયોત્સના બેને ફરિયાદ નોંધાવી છે અને પોલીસે ગુન્હો નોંધી બંને શખ્સની શોધખોળ આરંભી છે. જોકે આ સમગ્ર બનાવમાં આરોપીઓને કોઈ જ જાતનો કાયદાનો ડર જ ના હોય તેવી રીતે આ કૃત્ય કરતા શહેરના મચ્છરનગર વિસ્તારના લોકોમાં ફફડાટ ફેલાયો છે.