ગાંધીનગર: ગુજરાતમાં કોઈ પણ કાયદો અને તેની અમલવારી ગાંધીનગરથી જ થતી હોય છે ત્યારે પાટનગર ગાંધીનગરમાં 16 શિક્ષકો સતત ગેરહાજર હોવાના અહેવાલ સામે આવ્યા છે. લાંબા સમયથી ગેરહાજર હોવા છતાં શિક્ષકોના નામ શાળાના ચોપડે બોલતા રહેવાનો ભાંડો ફૂટ્યા પછી રાજ્ય સરકાર કુંભકર્ણી નિદ્રામાંથી સફાળી જાગી છે. અને રાજ્યવ્યાપી તપાસના આદેશ છોડયા હતાં. જો કે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી તરફથી ગેરહાજર રહેતા અને વિદેશ પ્રવાસે ગયેલા શિક્ષકોને નોટિસો આપી સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે. સાથે હજુ કેટલા ગુલ્લીબાજ શિક્ષકો ગાંધીનગર શહેર અને જિલ્લામાં છે તેને શોધવાની પણ તજવીજ શરૂ કરી દેવામાં આવી છે.
ગાંધીનગર જિલ્લામાં પ્રાથમિક વિભાગમાં અને માધ્યમિક વિભાગમાં ગેરહાજર શિક્ષકોની તાલુકાની યાદી:
- ગાંધીનગર તાલુકાના ઉવારસદ ગામની શાળાના 2, ટીંટોડા ગામના 2 ઉપરાંત અડાલજ, બુટાકિયા, બાપુપુરા, માધવગઢ અને મગોડીની શાળાના શિક્ષક ગેરહાજર
- કલોલ તાલુકામાં આનંદપુરા, બાલવા, રામનગર, વાગોસણા, ખાત્રજ, ઉનાલી, વાંસજડા-ક અને કાંઠા ગામની શાળાના શિક્ષક ગેરહાજર
- માણસા તાલુકામાં બોરૂ અને બાપુપરાની શાળાના અને દેલવાડા ગામની શાળાના શિક્ષક ગેરહાજર
- દહેગામ તાલુકામાં અમરાજીના મુવાડાની શાળા, અને માધ્યમિક વિભાગમાં પાલુન્દ્રા ગામની શાળાના શિક્ષક ગેરહાજર
- ગાંધીનગર શહેરમાં પેથાપુરની શાળાના શિક્ષક ગેરહાજર
હવે આ પૈકીના વિદેશ ગમનના કિસ્સામાં ટર્મિનેશનની પ્રક્રિયા હાથ ધરાશે.
શિક્ષક 13 મહિનાથી શાળામાં ગેરહાજર: દહેગામના મોટી માછંગ ગામની શાળાના શિક્ષિકા નીતાબેન દેસાઇ 13 મહિનાથી શાળામાં ગેરહાજર હોવાનું આચાર્યએ જણાવ્યું હતું. આ શાળામાં ધોરણ 1 થી 8 સુધીનો અભ્યાસક્રમ ચલાવવામાં આવે છે અને વિદ્યાર્થીઓની કુલ સંખ્યા 102ની છે. જ્યાં ગેરહાજર શિક્ષિકા ધોરણ 1 થી 4ના બાળકોને ભણાવતા હતાં. તેમને આપેલી ત્રણ-ત્રણ નોટિસનો જવાબ પણ તેમણે આપ્યો નથી.
16 શિક્ષકો લાંબા સમયથી ગેરહાજર: ગાંધીનગર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડૉ. પિયુષ પટેલે આ બાબતે સરકારના નિર્દેશ મુજબ કરેલી કાર્યવાહીની સંપૂર્ણ વિગતો આપી છે. તેમણે જણાવ્યું કે, ગાંધીનગર જિલ્લામાં 16 જેટલા શિક્ષકો લાંબા સમયથી ગેરહાજર છે. આ શિક્ષકો વિદેશ ગમન અથવા અન્ય કારણોસર લાંબી રજા પર છે. તેથી તેમને નોટિસ આપી દેવામાં આવી છે. આ નોટિસના જવાબ બાદ આ શિક્ષકો વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.