ભાવનગર: ભાવનગર જિલ્લામાં સિંહો વસવાટ કરતા હોય છે. ત્યારે ખાસ કરીને પાલીતાણા અને જેસર તેના મુખ્ય રહેણાંકી વિસ્તાર કહેવામાં આવે છે. આમ તો સિંહ ભાવનગર તાલુકાના ભંડારીયા ગામ સુધી પણ જોવા મળ્યા છે અને વલભીપુર સુધી પણ સિંહો પહોંચી ચૂકેલા છે. પરંતુ ભાજપના જિલ્લાના ઉપાધ્યક્ષે સિંહની રંજાડને પગલે લેખિત ફરિયાદ કરી છે.
કલેક્ટરને કરી ફરિયાદ: ગીરનો સાવજ ભાવનગર જિલ્લામાં વર્ષોથી વસવાટ કરે છે. જેેમાં ભાવનગર જિલ્લાનું મુખ્ય પાલીતાણા પંથક અને શેત્રુંજી ડેમની આસપાસના વિસ્તારોમાં સિંહો વસવાટ કરી રહ્યા છે. ભાવનગરના પાલીતાણા, મહુવા, તળાજા અને વલભીપુર સુધી સિહોનો વસવાટ છે. જો કે સિંહના મારણને લઈને પણ ખેડૂતો અને માલધારીઓમાં વારંવાર નુકસાનની ફરિયાદો ઉઠતી હોય છે, ત્યારે જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ નાનુભાઈ ડાખરાએ કલેકટરને લેખિતમાં ફરિયાદ કરી છે.
પાલીતાણાનું ગામ ભયના માહોલમાં: જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ નાનુભાઈ ડાખરાએ કલેક્ટરને લેખિતમાં ફરિયાદ કરી છે. જેમાં તેમણે કહ્યું કે ખેડૂતોએ તેમને ફરિયાદ કરી છે કે વનવિભાગે પાલીતાણાના પાંડેરિયા ગામ વિસ્તારમાં 20 જેટલા સિંહોને છોડેલા છે, જેને પગલે પશુઓનું મારણ પણ સિંહો કરી રહ્યા છે. સિંહોના ટોળા અને વધુ સંખ્યાને પગલે ખેડૂતોને ખેતરે જવામાં પણ ભારે ડરનો સામનો કરવો પડે છે. જો કે ખેડૂતો તરફથી સિંહનો વિડિયો પણ જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષને આપવામાં આવ્યો હતો.
કલેકટરને શું માંગ કરાઈ: ભાવનગર જિલ્લાના ભાજપના ઉપાધ્યક્ષ નાનુભાઈ ડાખરાએ પાંડેરીયા ગામના ખેડૂતોએ કરેલી ફરિયાદ બાદ કલેકટરને લેખિત ફરિયાદ કરી છે. નાનુભાઈ કલેકટરને લેખિત ફરિયાદમાં જણાવ્યું છે કે પાંડેરીયા ગામના ખેડૂતોએ તેમને ફરિયાદ કરી હતી કે વન વિભાગે અહીંયા 20 જેટલા સિંહો છોડવાને કારણે તેમને ખેતરે જવામાં ભય સતાવી રહ્યો છે અને પશુઓનું પણ મારણ થઈ રહ્યું છે. સિંહ આપણું ગૌરવ હોય પણ ખેડૂત પણ જગતનો તાત હોય આથી તેની મુશ્કેલીમાં વધારો થાય નહીં તે માટે વન વિભાગને જરૂરી સૂચના આપવામાં આવે તે માંગ કરી હતી. જો કે નાનુભાઈએ સિંહોનું બીજે સ્થળાંતર થાય તેવી પણ માંગ કરી છે. હાલ લેખિત પત્ર લખ્યો છે અને જરૂર પડે તો રૂબરૂ મળવા માટે પણ તૈયારી દાખવી છે.