ભરૂચ: જિલ્લામાં દારૂના અડ્ડાઓ પરથી કેટલાક પોલીસ કર્મચારીઓ હપ્તાઓ લેતા હતા તેના વિડીયો વાયરલ થયા હતા. મળતી માહિતી મુજબ જાણવા મળે છે કે, ભરૂચ પોલીસ દારૂબંધીના લીરેલીરા ઉડાવી રહી છે. જે પોલીસે દારુના અડ્ડા બંધ કરાવવા માટે અડ્ડા સુધી જવુ જોઈએ તે પોલીસ ત્યાં માત્ર ને માત્ર હપ્તો ઉઘરાવા જાય છે. ભરુચ પોલીસ કઈ રીતે દારુ બંધીનો અમલ કરાવે છે તેનો ખુલાસા કરતાં અનેક વીડિયો વાયરલ થયા છે.
અડ્ડા પર હપ્તો ઉઘરાવવા જતાં અનેક પોલીસ: આ વિડીઓમાં એક અડ્ડા પર હપ્તો ઉઘરાવવા જતાં અનેક પોલીસ કર્મીઓ કેદ થયા છે. નવાઈની વાત તો એ છે કે, વીડિયો વાયરલ થયા પછી પણ હપ્તાખોર પોલીસ કર્મીઓ પર કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી. જાણે કે ભરુચ પોલીસ ગૃહમંત્રી હર્ષ સંઘવીને પડકાર ફેંકતી હોય કે તમે ભલે દારુબંધીની વાતો કરો પરંતુ ભરુચમાં દારુ તો વેચાશે જ.
અડ્ડા ઉપર હપ્તા વસૂલી: હાલમાં જ ભરુચ બી ડીવીઝન પોલીસ સ્ટેશનની હદમાં લીંબુ છાપરી વિસ્તારના 35 થી વધુ વીડિયો વાયરલ થયા છે. જેમાં બી ડીવીઝન તેમજ અન્ય એજન્સીમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓ એક દારૂના અડ્ડા પરથી પૈસા ઉઘરાવતા કેદ થયા છે. તેમાં માત્ર પુરૂષ નહીં પરંતુ મહિલા પોલીસ કર્માચારીનાં વીડિયો પણ વાયરલ થયા છે. દારુના અડ્ડાની બાજુમાં એક મકાન પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયેલા આ વીડિયો વાયરલ થતાં પોલીસની કામગીરી સામે શંકા ઉભી થઈ રહી છે. આ માત્ર એક અડ્ડાનો વીડિયો વાયરલ થયો છે. ભરુચમાં અન્ય અડ્ડા ઉપર પણ આ જ રીતે હપ્તા વસૂલી થઈ રહી છે.
જિલ્લા પોલીસ વડાએ કોઈ એક્શન લીધા નથી: આશ્ચર્યની વાત એ છે કે, આ વીડિયો વાયરલ થયા બાદ પણ ભરુચ પોલીસમાં એવી કોઈ ગંભીરતા દેખાતી નથી. આટલી મોટી બાબત બહાર આવતા છતાં પણ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ કોઈ એક્શન લીધા નથી. જેના કારણે ભ્રષ્ટાચારી પોલીસ કર્મીઓને પ્રોત્સાહન અને નિષ્ઠાવાન પોલીસ કર્મીઓને પ્રેરણા મળી રહી છે. ગૃહમંત્રી પડોશી જિલ્લા સુરતના વતની છે. તેમના પડોશમાં જ આ રીતે જો દારુ બંધીની ધજીયા ઉડતી હોય તો ગુજરાતના અન્ય સ્થળોની કલ્પના થઈ શકે છે. હર્ષ સંઘવી ત્વરીત એક્શન માટે જાણીતા છે ત્યારે આ મામલામાં વીડિયો ફુટેજ એકત્ર કરી હપ્તાખોર પોલીસ કર્મીઓ અને જિલ્લામાં કાયદો વ્યવસ્થાની જવાબદારી જે પોલીસ અધિકારીઓને આપી છે તેવા પીઆઈ, ડીવાયએસપી, એસપીની જવાબદારી નક્કી કરી કાર્યવાહી કરાવે તેવી લોકમાગ ઉઠી છે.
ઇન્ડિયા ગઠબંધન, જનતાની સાથે દારૂના અડ્ડા પર રેડ કરીશું: આ બાબતએ ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું છે કે, "આજરોજ મારી પાસે 35 જેટલા પોલીસના હપ્તા લેતા સીસીટીવી ફૂટેજ આવ્યા છે. ભરૂચના બી ડિવિઝન વિસ્તારમાં આવેલ લીંબુ છાપરી વિસ્તારમાં દેશી અને વિદેશી દારૂનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે અને આ અડદના માલિકો પાસેથી બે ડિવિઝન પોલીસ અને અન્ય એજન્સીઓના પોલીસ કર્મચારીઓ ખુલ્લેઆમ હપ્તા લઈને દારૂનો ધંધો કરાવી રહ્યા હોય તેવું વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે." આ ઉપરાંત ઇન્જેક્શન યુક્ત દેશી દારૂ અને ડી ક્વોલિટીનો વિદેશી દારૂનું પોલીસ જ વેચાણ કરાવી રહી હોય તેવા આક્ષેપો પણ ચૈતર વસાવાએ કર્યા છે. વધુમાં જણાવતા તેમણે કહ્યું હતું કે, "સાત દિવસમાં ભરૂચના એસપી દ્વારા બુટલેગરો અને હપ્તા લેતા પોલીસ કર્મચારીઓ પર કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવે તો ઇન્ડિયા ગઠબંધન અને જનતાને સાથે રાખીને દારૂના અડ્ડા ઉપર રેડ કરીશું."
કસૂરવાર સામે કાયદેસરની કાર્યવાહી: વિડીયો વિરલ થયાની આ ઘટના બાબતે ડીવાયએસપી સી કે પટેલે જાણકારી આપતા જણાવ્યું કે, "ભરૂચના એસટી દ્વારા સોશિયલ મીડિયા તેમજ મીડિયામાં વાયરલ થયેલ સીસીટીવી ફૂટેજમાં બી ડિવિઝન વિસ્તારમાં પોલીસ કર્મચારીઓ દ્વારા જે હપ્તા લેવામાં આવી રહ્યા છે તેમાં તપાસના આદેશ આપ્યા છે. આ ઘટનામાં જે કોઈ પોલીસ કર્મચારી સામેલ હશે અને જે બુટલેગરો દારૂનો ધંધો કરતા હશે તેઓની તપાસ અમે કરી રહ્યા છે અને તપાસની અંદર બુટલેગર અને પોલીસ કર્મચારીઓ કસૂરવાર નીકળશે તો તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે."