અમદાવાદ: અમદાવાદમાં કોંગ્રેસની એક પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જે દરમિયાન કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીએ કલોલ નગરપાલિકાના થપ્પડ કાંડ અંગે ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા હતા અને ભાજપાના મોડેલનું સત્ય ઉજાગર કર્યું હતું. ગાંધીનગરમાં આવતી ભાજપા શાસિત કલોલ નગરપાલિકામાં 7 કરોડના વિશેષ વિકાસના કામો થવાના હતાં.
કહેવાતી શિસ્તબધ્ધ પાર્ટીના દાવા કરતી તેમજ ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં સમાવેશ થતી કલોલ નગરપાલિકામાં રીટેન્ડરીંગના નામે મોટો ખેલ, ભાજપાનો ગળાડુબ ભ્રષ્ટાચાર અને લૂંટના મોડલમાં વાંધો પડતા થઈ છૂટા હાથની મારામારી તથા ભાજપાના જૂથોના હિતના ટકરાવને કારણે ખૂલ્લેઆમ મારામારી ના દ્રશ્યો ગુજરાતે જોયા છે. શહેરના વિકાસ થાય કે ન થાય ભાજપાના નેતાઓનો વિકાસ પૂરપાર ગતિએ થઈ રહ્યો છે.- મનીષ દોશી, કોંગ્રેસ સમિતિના પ્રવક્તા મંત્રી
ભાજપા કેમ મૌન ?: તેમણે વધુમાં કહ્યું કે સમગ્ર રાજ્યની ભાજપા શાસિત નગરપાલિકા અને મહાનગરપાલિકાઓના વિકાસના નામે મોટા ભ્રષ્ટાચારો થયા છે. રાજ્યમાં ભાજપા શાસિત જુદી જુદી નગરપાલિકાઓનો દેવાળીયા વહિવટથી અનેક નગરપાલિકાઓમાં પાણી બિલ અને વિજ બિલ ન ભરવાના કારણે સ્થાનિક નાગરિકો પરેશાન થયા છે. ગાંધીનગર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીના મતક્ષેત્રની ભાજપા શાસિત નગરપાલિકામાં છુટા હાથની મારામારી અને થપ્પડ કાંડ અંગે ભાજપા કેમ મૌન ? ભાજપાના ભ્રષ્ટાચારના ભોરિંગે નિર્દોષ નાગરિકોના ભોગ લીધા. સુરત તક્ષશીલાકાંડ, વડોદરા હરણી બોટ કાંડ, મોરબી ઝુલતા પુલ કાંડ અને રાજકોટ ટી.આર.પી. ગેમ ઝોન અગ્નિકાંડે ભ્રષ્ટાચારમાં ગળાડુબ ભાજપા શાસકોના ભયમુક્ત ભ્રષ્ટાચાર ખુલ્લો પડયો, જેનો ભોગ નિર્દોષ બાળકો અને નાગરિકો બન્યાં છે.