સુરત : કતારગામ વિસ્તારની એક પરિણીત મહિલા સાથે રૂબરૂ અને ત્યારબાદ સોશિયલ મીડિયા થકી પરિચય કેળવ્યા બાદ ભુવા બની બેઠેલા કીર્તિ માંડવીયાએ યુવતીને કતારગામ લલીતા ચોકડી ખાતે ઓફીસમાં બોલાવીને પ્રસાદમાં નશાયુક્ત પદાર્થ ખવડાવીને પરિણીતા સાથે દુષ્કર્મ આચર્યુ હતું. આજ રીતે ભુવાએ આ યુવતી સાથે બેથી ત્રણ વખત દુષ્કર્મ આચરતા, આખરે મામલો કતારગામ પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસે ભુવા કીર્તિ માંડવીયાની ધરપકડ કરી હતી અને તેને કોર્ટમાં રજુ કરીને એક દિવસના રિમાન્ડ પણ મેળવ્યા હતા.
ભૂવાની પાપલીલા: આ અંગે કતારગામ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ કતારગામ વિસ્તારની એક 20 વર્ષની પરિણીતાએ બે મહિના અગાઉ તાપી નદીના કિનારે આવેલા એક આશ્રમમાં તેના પરિવારના સભ્યો તેમજ સમાજના લોકો સાથે કીર્તિ નાનાજી માંડવીયા(ભુવા)ને મળ્યા હતા. તેમાં ભુવા કીર્તિએ તેની ચાલાકી વાપરતા, એક કુંવારી યુવતી મને ચાંદલો કરે તેમ કહ્યું હતું. તે સમયે આ યુવતી કુંવારી હોય તેણીએ ભુવા કીર્તિ માંડવીયાને ચાંદલો કર્યો હતો. જોકે તે પછી બીજા દિવસે ભુવા કીર્તિએ આ યુવતીને ઈન્સ્ટગ્રામ પર મેસેજ કરીને વાતચીત શરૂ કરી હતી.
પ્રસાદમાં ઘેનયુક્ત પદાર્થ : બાદમાં ભુવાએ યુવતીને ફોસલાવી કતારગામ લલીતા ચોકડી પાસે આવેલી તેની અખબારની ઓફીસમાં બોલાવી હતી. આ અખબાર ભુવા કીર્તિ માંડવીયા પોતે ચલાવે છે. ભુવાએ યુવતીને ત્યાં બોલાવીને માતાજીની વાતો કરીને તેણીને પ્રસાદ ખાવા આપ્યો હતો, જેમાં ઘેનયુક્ત પદાર્થ ભેળવ્યો હતો. પ્રસાદ ખાધા બાદ યુવતી બેહોશ થઈ ગઈ હતી અને પછી ભુવા કીર્તિએ યુવતી સાથે દુષ્કર્મ આચર્યુ હતુ. ત્યારબાદ યુવતી તેના ઘરે ચાલી ગઈ હતી. આજ રીતે બેથી ત્રણ વાર ભુવા કીર્તિએ યુવતીને પોતાની ઓફિસે બોલાવીને ફરીવાર પાણીમાં ઘેન યુક્ત પદાર્થ નાખીને બેહોશ કરીને દુષ્કર્મ આચર્યુ હતુ.
ભુવા સામે દુષ્કર્મની ફરિયાદ: આ સમગ્ર મામલે એસીપી આર.વી.ઝાલાએ જણાવ્યું હતું કે, એક મહિના અગાઉ યુવતીના લગ્ન થઈ ગયા હતા પણ યુવતીએ પોલીસને જણાવ્યું હતું કે ભુવાએ એવું વશીકરણ કર્યું હતું કે યુવતી તેના પતિ સાથે પણ સબંધ બાંધતી નહોતી અને આખરે તેનો પતિ તેણીને પિયરમાં મૂકી ગયો હતો અને તે પછી ભુવા કીર્તિના કરતુત બહાર આવ્યા હતા. પરિવારના સભ્યો અને સમાજના આગેવાનો સાથે ચર્ચા કર્યા બાદ પરિણીતાએ, ભુવા કીર્તિ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા કતારગામ પોલીસે રાત્રે જ કીર્તિ.નાનાજી માંડવીયાની ધરપકડ કરી લીધી હતી અને તેને કોર્ટમાં રજુ કરીને એક દિવસના રિમાન્ડ પણ મેળવ્યા હતા.