રાજકોટ: ઉપલેટાના પોરબંદર નેશનલ હાઈવે પર ઇસરા ગામના પાટીયા પાસે સ્થાનિક કારખાનેદારો દ્વારા જનતા રેડ કરી દેશી દારૂના વેચાણનો વેપલો ઝડપી પાડ્યો હોવાનું સામે આવ્યું છે. જેમાં સ્થાનિક કારખાનેદારો દ્વારા સ્થાનિક જવાબદાર પોલીસની ઢીલી નીતિથી છેલ્લા એક વર્ષથી ત્રસ્ત થયેલા કારખાનેદારોએ આખરે જનતા રેડ કરી દેશી દારૂનો વેપલો ઝડપી લીધેલ છે. જનતા રેડ બાદ પોલીસને જાણ કરતા પોલીસ પણ અંતે દોડી આવી હતી અને બે વ્યક્તિઓની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
![જનતા રેડ કરી દેશી દારૂના વેચાણ પર તવાઈ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/18-02-2024/gj-rjt-rural-upleta-on-the-porbandar-national-highway-in-upleta-the-public-protested-against-the-sale-of-liquor-by-the-factory-owners-near-isra-patiya-gj10077_18022024164749_1802f_1708255069_981.jpg)
સ્થાનિક પોલીસની ઢીલી નીતિ પર સવાલ: ઉપલેટા શહેરમાં છેલ્લા ઘણા સમયથી દેશી દારૂનો ખુલ્લેઆમ વેપલો ચાલી રહ્યો હોવાની બાબતને લઈને કારખાનેદારમાં ભારે રોષ ફેલાયો હતો. જેમાં દેશી દારૂના કારણે કારખાનેદારના શ્રમિકો સાથે અનેક પ્રકારની ઘટનાઓ બનતી હતી. જેમાં ઝઘડાઓ થવા તેમજ નશાની હાલતમાં અકસ્માત તેમજ મારામારી અને અકસ્માતે મોત થવાની ઘટનાઓ બની રહી હોય જેને લઈને કારખાનેદારો દ્વારા અનેક વખત રજૂઆતો કરીને દેશી દારૂનો વેપલો બંધ કરવા માટેની રાવ કરી હતી. પરંતુ જવાબદાર પોલીસ તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કે કામગીરી નહીં થતાં અને દેશી દારૂના વેપલો અને દાદાગીરીઓ વધવા પામી હતી. જો કે ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ શરૂ રહેતા આખરે કારખાનેદારોએ એકત્ર થઈ દેશી દારૂ પર જનતા રેડ કરી છે અને સ્થાનિક પોલીસની ઢીલી નીતિ સામે અનેક સવાલો ઊભા કરી દીધા છે ત્યારે જનતા રેડ કર્યા બાદ કારખાનેદારો દ્વારા પોલીસને જાણ કરતા રેડના ઘણા સમય બાદ અંતે પોલીસ આવી હતી અને મુદ્દામાલ કબજે કરી બે વ્યક્તિઓની અટકાયત કરી હતી.
![અસહ્ય ત્રાસને લઈને સ્થાનિકો દ્વારા રેડ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/18-02-2024/gj-rjt-rural-upleta-on-the-porbandar-national-highway-in-upleta-the-public-protested-against-the-sale-of-liquor-by-the-factory-owners-near-isra-patiya-gj10077_18022024164749_1802f_1708255069_949.jpg)
દારૂનો વેપલો કાયમી બંધ કરાવવાની માંગ: રેડ બાદ વેપારીઓ એકત્ર થઈ અને આ દેશી દારૂનું દુષણ અને દેશી દારૂનો વેપલો કાયમી બંધ કરાવવાની માંગ સાથે લેખિત રજૂઆત કરવા ઉપલેટા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા. જ્યાં ઉપલેટા પોલીસ સ્ટેશનના પીઆઇને લેખિત રજૂઆત તેમજ કાયમી દારૂનું દુષણ બંધ કરવા માટેની ફરિયાદ કરી દુષણ બંધ કરાવવા માટેની રજૂઆત કરી છે. કારખાનેદારો દ્વારા ઉપલેટા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરને મૌખિક જણાવ્યું હતું કે ઉપલેટા વિસ્તારની અંદર ઉપલેટા શહેરના સ્મશાન રોડ, પોરબંદર રોડ, ધોરાજી રોડ, વાડલા રોડ સહિતના વિસ્તારોની અંદર દેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે તેવી ફરિયાદ કરી છે અને આ વેપલો કાયમી માટે બંધ કરાવવામાં આવે તેવી માંગ કરી છે.
![પોલીસ ઘટનાસ્થળે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/18-02-2024/gj-rjt-rural-upleta-on-the-porbandar-national-highway-in-upleta-the-public-protested-against-the-sale-of-liquor-by-the-factory-owners-near-isra-patiya-gj10077_18022024164749_1802f_1708255069_537.jpg)
બેરોકટોક ગેરપ્રવૃતિઓ: ઉપલેટા પંથકમાં દારૂ, જુગાર, ખનીજ ચોરી, જ્વલંતશીલ પ્રવાહી તેમજ અનેક પ્રકારની ગેર પ્રવૃતિઓ જાણે તંત્રની સંપૂર્ણ મિલીભગત અથવા તો રહેમદિલીથી તેમજ રઝામંદીથી ચાલતું હોય તેવું જાગૃત નાગરિકો જણાવે છે. ત્યારે આ પ્રવૃતિઓની ફરિયાદોનું લાંબુ લિસ્ટ બનતું જાય છે. જેથી આ મામલે ફરિયાદ કરનાર વ્યક્તિ ઉપર તેમજ ગેરકાનૂની પ્રવૃત્તિ બંધ કરાવવા માટે આગળ આવનાર જાગૃત નાગરિક કે ફરિયાદીને કોઈના કોઈ ભોગે દબાવવાનો કે ડરાવવાનો પ્રયત્ન કરવામાં આવતો હોવાનું પણ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું છે. જેમાં ઉપલેટા વિસ્તારની અંદર દારૂ, જુગાર, બાયોડીઝલના નામે જ્વલનશીલ પદાર્થ તેમજ ખનીજની બેરોકટોક અને બેફામ થતી ખુલ્લેઆમ ગેરકાનૂની તમામ પ્રવૃત્તિઓ ઉપર આવતા દિવસોની અંદર જવાબદાર તંત્ર કે અધિકારીઓ યોગ્ય કાર્યવાહી નહીં કરે તો જનતા રેડનો દોર કાયમી શરૂ રહે તો નવાની વાત નથી.
![દેશી દારૂના ચાલતા વેપલાને કાયમી બંધ કરાવવા માટે લેખિત રજૂઆત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/18-02-2024/gj-rjt-rural-upleta-on-the-porbandar-national-highway-in-upleta-the-public-protested-against-the-sale-of-liquor-by-the-factory-owners-near-isra-patiya-gj10077_18022024164749_1802f_1708255069_157.jpg)
સ્થાનિકોને મુશ્કેલીઓ: ઉપલેટા પંથકના તમામ જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ગેરકાનૂની પ્રવૃત્તિઓમાં સામાન્ય તેમજ સ્થાનિક લોકોને પડતી મુશ્કેલીઓ અને સમસ્યાઓને કાયમી દૂર કરવા માટેની પોતાને સોંપેલી જવાબદારી નિભાવી જોઈએ તેવી ઉપલેટા પંથકના લોકોની સ્પષ્ટ માગ છે. ત્યારે વધુમાં લોકોએ જણાવ્યું હતું કે જો તંત્ર યોગ્ય અને જવાબદારીભર્યું કાર્ય નહીં કરે તો ઉચ્ચ લેવલ સુધી રજૂઆત અને ફરિયાદ કરવામાં આવશે તેવું પણ જાગૃત નાગરિકોએ જણાવ્યું હતું.
આ અંગે ઉપલેટા પોલીસ સ્ટેશનનો ટેલિફોનિક સંપર્ક કરતાં પી.એસ.ઑ. વી.બી. રાખસિયા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ઉપલેટા કારખાનેદાર દ્વારા પાડવામાં આવેલ જનતા રેડ બાદ ઉપલેટા પોલીસ દ્વારા દેશી દારૂના જથ્થા સાથે અટકાયત કરેલ દીપકભાઈ પરમાર તેમજ બાબુભાઈ મીઠાપરા નામના બન્ને વ્યક્તિઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જવાબદારો સામે કડક પગલાં ભરવાં માંગ: ઉપલેટાના ઘણા કારખાનેદારોએ મીડિયાને ગુપ્ત રીતે માહિતી આપતા જણાવ્યું હતું કે, ઉપલેટામાં ઘણા ખરા વિસ્તારોની અંદર દેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થાય છે. જેને લઇને શ્રમિકો આ દારૂના દૂષણના કારણે અકસ્માતનો ભોગ બનતા હોય છે તેમજ કારીગરોની અંદર ઝઘડાઓનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે. દારૂના નશામાં અને તેમના દૂષણમાં સપડાઈ રહેલા શ્રમિકો તેમનો ભોગ બની રહ્યા છે. જેથી દારૂનું વેચાણ કરવા આવતા અને દારૂનું દુષણ ચલાવતા અને તેમનો વેપલો ચલાવતા વ્યક્તિઓ સામે તાત્કાલિક અસરથી કડક કાર્યવાહી કરી અને કાયમી દારૂનું દુષણ બંધ પોલીસ દ્વારા કરવું જોઈએ. આ સાથે જ કારખાનેદારોએ વધુમાં જણાવ્યું હતું કે, દારૂ વેચવા આવનાર વ્યક્તિઓને અમો કારખાનેદારો જ્યારે દારૂ વેચવા માટેની મનાઈ કરવામાં આવે છે અથવા તો જ્યારે તેમને રોકટોક કરવામાં આવે છે ત્યારે પોલીસ દ્વારા જ રોકટોક કરનાર વ્યક્તિને કોઈના કોઈ માધ્યમથી ટેલીફોનિક સંપર્ક કરી અને રોકટોક ન કરવા માટેનું પણ દબાણ કરવામાં આવતું હોવાનું ઉપલેટાના ઇસરા પાટીયા પાસેના કારખાનેદારોએ જણાવ્યું છે ત્યારે અનેક વખત રજૂઆત અને ફરિયાદ કરવા છતાં પણ પોલીસ દ્વારા કાર્યવાહી કે દારૂનું દુષણ બંધ ન કરાવવાના કારણે કારખાનેદારો રોષે ભરાયા હતા અને ખુદ જનતા રેડ કરી દારૂનો વેપલો ઝડપી પાડ્યો હતો.