સુરત : સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના વિવિધ આઈસ ડીશ વિક્રેતા પર તવાઈ શરૂ થઈ છે. જેમાં આઈસ અને ક્રીમ સહિતના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જે પૈકી 3 એકમોમાંથી લેવામાં આવેલા નમૂના પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં ફેલ જણાઈ આવ્યા છે. આ ત્રણેય એકમ સામે આરોગ્ય ફૂડ વિભાગ દ્વારા એડજ્યુકેટિંગ ઓફિસર સમક્ષ ફરિયાદ દાખલ કરવા તજવીજ હાથ ધરાશે.
સુરત મનપાની તવાઈ : બે દિવસ પૂર્વે શહેરના વિવિધ ઝોનના વિસ્તારમાં આઈસ ડીશ અને બરફના ગોળા વેચતા 16 એકમમાં સુરત મનપાના ફૂડ વિભાગ દ્વારા આઈસ ડીશ, આઇસ ગોલા અને ક્રીમના 23 નમૂના લઈ પૃથ્થકરણ માટે પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. આ નમૂનાઓ પૈકી 3 નમૂના ધારાધોરણો મુજબ માલૂમ પડ્યા નથી. આ ત્રણ નમૂના ધરાવતા એકમો સામે શિક્ષાત્મક કાર્યવાહી માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.
ધારાધોરણ સામે નમૂના ફેઈલ : રજવાડી મલાઈ ગોળા નામની સંસ્થામાંથી લેવામાં આવેલ ક્રીમના નમૂના ફેલ થયા છે. ક્રીમમાં મિલ્ક ફેટનું પ્રમાણ ઓછું મળી આવ્યું છે. 60 ટકા મિલ્ક ફેટ હોવું જરૂરી છે, તેની સામે મિલ્ક ફેટનું પ્રમાણ ઓછું છે. આનંદ મહલ રોડ પર આવેલ રાજ આઈશડિશના ક્રીમના નમૂનામાં પણ મિલ્ક ફેટનું પ્રમાણ ઓછું મળી આવ્યું છે. સિંગણપોરની જે. બી. આઈસડીશ ગોલા સેન્ટરમાંથી લેવામાં આવેલ ઓરેન્જ સીરપના નમૂના ફેલ થયા છે. નમૂનામાં ટોટલ સોલ્યુબલ સોલાઈડની માત્રા 65 ટકા હોવી જરૂરી છે, જેનું પ્રમાણ ઓછું મળી આવ્યું છે.
તંત્ર દ્વારા કાયદેસર કાર્યવાહી : આરોગ્ય વિભાગના અધિકારી જગદીશ સાલુકે જણાવ્યું કે, રાંદેર ઝોન-અડાજણ, આનંદમહલ રોડ સ્થિત રજવાડી મલાઈ ગોલા તથા પ્રાઈમ આર્કેડ સ્થિત રાજ આઈસડીશમાંથી લેવામાં આવેલ ક્રીમના નમૂનામાં મિલ્ક ફેટ નિર્ધારિત માત્રા કરતાં ઓછી મળી છે. જ્યારે સિંગણપોર ચાર રસ્તા પાસે સ્થિત જે. બી. આઈસડીશ ગોળામાં ઓરેન્જ સીરપના નમૂનામાં ટોટલ સોલ્યૂબલ સોલીડ્સની માત્રા નિર્ધારિત માપદંડ કરતાં ઓછી જણાય છે. ત્રણેય એકમોમાંથી અંદાજે 22 કિલો/લિટર સી૨પ અને ક્રીમનો નાશ કરવામાં આવ્યો છે. આ એકમોના માલિકો સામે એડજ્યુડિકેટિંગ ઓફિસર સમક્ષ ફરિયાદ દાખલ કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે.