નવી દિલ્હી: પાકિસ્તાન મરિન સિક્યોરિટી ફોર્સ દ્વારા ગુજરાતના દરિયામાં જતા માછીમારોને ઘણીવાર પકડીને બંદી બનાવી લેવામાં આવતા હોય છે. વર્ષો સુધી આ માછીમારોને જેલમાં કેદ રખાય છે. ત્યારે ગુજરાતના કેટલા માછીમારો હાલ પાકિસ્તાનની જેલમાં કેદ છે? તેને લઈને રાજ્યસભામાં સાંસદ અને ગુજરાતના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે સવાલ પૂછ્યો હતો.
પાકિસ્તાનની જેલમાં કેટલા માછીમારો બંધ?
સાંસદ શક્તિસિંહ ગોહિલના પ્રશ્નના જવાબમાં વિદેશ મંત્રાલય તરફથી જણાવાયું હતું કે, 1 જુલાઈ, 2024ની યાદી મુજબ, ભારતના કુલ 211 માછીમારો પાકિસ્તાનની જેલમાં બંધ છે, એમાંથી 139 માછીમારો ગુજરાતના છે. આ માછીમારોને છોડાવવા માટે શક્તિસિંહ ગોહિલે માંગણી કરી હતી અને કહ્યું હતું કે, માછીમાર ભૂલથી બોર્ડર ક્રોસ કરીને જાય તો પાકિસ્તાનના કાયદા મુજબ સજા મર્યાદિત છે. એ સજાનો પીરિયડ પૂરો થઈ ગયો હોવા છતાં ત્યાં કેસ ચાલતા નથી. અપીલો ચાલતી નથી. કેન્દ્ર સરકારે કાઉન્સિલર એક્સેસ આપીને આવા કેસોનો નિકાલ થાય તેવો પ્રયાસ કરવો જોઈએ.
કેદીઓ માટે ટપાલ સેવા શરૂ કરવા માંગ
આ ઉપરાંત તેમણે કહ્યું કે, કેન્દ્રની કોંગ્રેસની સરકાર હતી ત્યારે તત્કાલિન વડાપ્રધાને કેદીઓનો તેમના પરિવાર સાથે સંદેશાવ્યવહાર થાય તે માટે ટપાલ વ્યવહાર શરૂ કરાવ્યો હતો. પરંતુ મારા આજના પ્રશ્નના જવાબમાં ભાજપની સરકારે સ્વીકાર્યું કે, હવે પાકિસ્તાનની સરકાર આપણા કેદીઓનો ટપાલ વ્યવહાર બંધ કરી દીધો છે. ત્યારે આવો એક તરફી ટપાલ વ્યવહાર બંધ ન થઈ શકે. કેન્દ્ર સરકારે આ અંગે લાલ આંખ કરવી જોઈએ. પાકિસ્તાનમાં રહેલા ગુજરાતી કે ભારતીય માછીમાર પોતાના ઘર-પરિવાર સાથે સંપર્ક ન કરી શકે એ માનવઅધિકારનો ભંગ છે. જરૂર જણાય તો આ મુદ્દે આંતરરાષ્ટ્રીય સ્તરે ઉઠાવવા તેમણે માંગણી કરી હતી.
આ પણ વાંચો: