રાજકોટ: લોકસભાની ચૂંટણીઓને હવે ગણતરીના દિવસો જ બાકી છે. એવામાં ભાજપ દ્વારા રાજ્યમાં હાલ પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે. ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી પણ આગામી 7 માર્ચથી ગુજરાતમાં ભારત જોડો યાત્રા દ્વારા આવી રહ્યાં છે. ત્યારે ભારત જોડો ન્યાય યાત્રાને લઈને ગુજરાત કોંગ્રેસ દ્વારા અનેક તૈયારીઓ કરવામાં આવી છે. જેમાં રાહુલ ગાંધીની યાત્રા જે જિલ્લાઓમાંથી નીકળશે ત્યા કોને કોને તેઓ મળશે. તેમજ રાહુલ ગાંધીની યાત્રાનો રૂટ ક્યો રહેશે. આ તમામ બાબતોને લઈને ભારત જોડો યાત્રાના ગુજરાત કન્વીનર અને પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુએ ETV BHARAT સાથે ખાસ વાતચીત કરી હતી.
પૂર્વથી પશ્વિમ સુધી યાત્રા: રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાને લઈને ઇન્દ્રનીલ રાજ્યગુરુએ જણાવ્યું હતું કે, દેશ એક થાય અને એમાં જ દેશનો વિકાસ સમાયેલો છે, તેમજ નફરત છોડો અને ભારત જોડો આ વાત સાથે રાહુલ ગાંધીએ અગાઉ દેશના અલગ-અલગ રાજ્યોમાં પદયાત્રા કરી હતી અને હવે દેશના પૂર્વ ભાગમાંથી પશ્ચિમ એટલે કે મુંબઈ સુધીની તેઓ પદયાત્રા કરવાના છે. જે અંતર્ગત તેઓ 7 તારીખે ગુજરાતમાં આવી રહ્યા છે. રાહુલ ગાંધીનો માત્ર એક જ ઉદ્દેશ છે કે, નફરતથી દેશ ન બને, જેમ એકતાથી આપણને આઝાદી મળી છે એટલે એક રહેવું ખૂબ જરૂરી છે. આપણા દેશમાં વિવિધ જ્ઞાતિ જાતિના લોકો રહે છે, ત્યારે આ જ્ઞાતિ-જાતિના વાળા તોડીને સૌ લોકો એક થયા હતા અને ગાંધીજીની રાહબરી નીચે ભારત દેશ આઝાદ થયો હતો. ત્યારે હજુ પણ દેશ એક રહે તેવી લાગણી સાથે રાહુલ ગાંધી ગુજરાતની યાત્રાએ આવી રહ્યા છે.
ભારત જોડો યાત્રા ચૂંટણી લક્ષી નથી: ઇન્દ્રનીલ રાજ્યગુરુએ વધુમાં જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીએ એવું વ્યક્તિત્વ છે કે, તેઓ માને છે કે દલ સે બડા દેશ હોતા હૈ, જ્યારે રાહુલ ગાંધીની આ યાત્રા ચૂંટણી લક્ષી છે તેવું આપણે હાલ ના કહી શકીએ. કારણકે અગાઉ જ્યારે દેશમાં ચૂંટણીનો માહોલ નહોતો તે સમયે પણ રાહુલ ગાંધીએ અલગ અલગ વિસ્તારમાં યાત્રાઓ કરી હતી. તેઓ દેશની એકતા માટે આ પ્રકારની યાત્રા કરી રહ્યા છે. દેશમાં હાલ નફરતનું વાતાવરણ ઊભું થઈ રહ્યું છે અને ઝેર ફેલાવવાનું કામ થઈ રહ્યું છે તેની સામે ઊભું થવા માટે કોઈ એકે તો આગળ આવવું જોશે જેના ભાગરૂપે રાહુલ ગાંધી આ યાત્રા યોજી રહ્યા છે. રાહુલ ગાંધીની યાત્રાના કારણે લોકસભાની ચૂંટણીમાં મતદારોમાં પણ ફરક પડશે.
રાહુલ સાંભળશે લોકોના પ્રશ્નો: રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા 7 તારીખે દાહોદના ઝાલોદમાંથી ગુજરાતમાં પ્રવેશ કરશે, ત્યારબાદ બોડેલી, છોટાઉદેપુર, પંચમહાલ, ભરૂચ, નવસારી સહિતના જિલ્લાઓમાં થઈને પસાર થશે. ત્યારબાદ સોનગઢ થઈને મહારાષ્ટ્ર રાજ્યમાં જશે. રાહુલ ગાંધી પોતાની યાત્રા દરમિયાન જે લોકોના સામાજિક પ્રશ્નો હોય અથવા તો કોઈને અન્યાય થયો હોય જ્યારે સમૂહમાં હોય કે વ્યક્તિગત હોય આવા લોકોને મળતા હોય છે. જ્યારે તેમની આ યાત્રા દરમિયાન દરરોજ એક કેમ્પ થતો હોય છે અને આ કેમ્પમાં તેઓ અલગ અલગ લોકોને સાંભળતા હોય છે અને મળતા હોય છે.