ગાંધીનગર: ગુજરાતમાં સર્વત્ર ચોમાસુ જામ્યું છે ત્યારે રાજયમાં ચાલુ સીઝનનો કુલ વરસાદ 455. 75 મી.મી નોંધાયો છે. આ સીઝનમાં કુલ વરસાદ 18 ઇંચથી વધુ પડ્યો છે. રાજ્યના 73 તાલુકામાં 500 મી.મીથી વધુ વરસાદ નોંધાયો છે. ચોમાસાની સીઝનમાં કચ્છમાં 75 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાય તેવી સકયતાઓ દેખાઈ રહી છે. જેને લઈને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દર બે કલાકે વરસાદ અને પૂરની સ્થિતિ અંગે જરૂરી દિશાની નિર્દેશો આપી રહ્યા છે.
બોરસદ તાલુકામાં સૌથી વધુ વરસાદ: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રથી ચોમાસુ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત તરફ આગળ વધ્યું છે. વડોદરા અને આણંદ જિલ્લામાં વરસાદે જોરદાર બેટિંગ શરૂ કરી છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ બોરસદ તાલુકામાં વરસાદ નોંધાયો છે. તે ઉપરાંત ભરૂચ અને છોટા ઉદેપુરમાં પણ સારો વરસાદ નોંધાયો છે. છેલ્લા 16 કલાકમાં આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં સૌથી વધુ 346 મિલી વરસાદ નોંધાયો છે.
25 ડેમમાં 70% પાણીની આવક થઈ: રાજ્યમાં સાર્વત્રિક ધોધમાર વરસાદને કારણે મોટાભાગની નદીઓમાં નવનીર આવ્યા છે. કેટલીક નદીઓ ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. વરસાદથી રાજ્યમાં 10 નદીઓ ઓવરફ્લો થઈ છે. તળાવો પણ વરસાદના પાણીથી છલકાયા છે. રાજ્યમાં 3 તળાવો વરસાદથી ઓવરફ્લો થયા છે. રાજ્યભરના વરસાદથી 25 ડેમમાં 70% પાણીની આવક થઈ છે.
આફતમાં ફસાયેલા 215 લોકોના રેસ્ક્યુ કરાયા: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક તાલુકાઓમાં ધોધમાર વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. સુરત, ભરૂચ, વડોદરા અને બોરસદમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. આ વિસ્તારમાંથી લોકોને સલામત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે. સીઝન દરમિયાન કુલ 4 હજારથી વધુ લોકોનું સ્થળાંતર થયું છે. વરસાદી આફતમાં ફસાયેલા 215 લોકોના રેસ્ક્યુ કરાયા છે. બચાવી લેવામાં આવેલા લોકોને પ્રાથમિક સુવિધાઓ સાથે આશ્રયસ્થાનોમાં ખસેડવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં આઠ લોકોના ગુજરાતમાં અલગ અલગ કારણોસર મૃત્યુ થયા છે. વરસાદની સિઝનમાં અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 61 લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે.
કુલ 666 રોડ રસ્તા બંધ: છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં 225 ગામડાઓમાં લાઈટો બંધ થઈ છે. વરસાદના કારણે રાજ્યના 17 સ્ટેટ હાઇવે ઉપર વરસાદનું પાણી ફરી વળતા તાત્કાલિક બંધ કર્યા છે. માર્ગ મકાન હસ્તક તેમજ પંચાયત હસ્તક અને હાઇવે સહિત કુલ 666 રોડ રસ્તા બંધ છે.
8 નાગરિકોને હેલિકોપ્ટરથી એર લીફ્ટિંગ કરાયું: આજે અને આવતીકાલે આણંદ, ડાંગ અને વલસાડમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આવતીકાલે પણ સૌરાષ્ટ્રના બે જિલ્લાઓમાં પણ વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે. સુરત જિલ્લામાં ફસાયેલા 8 નાગરિકોને હેલિકોપ્ટરથી એર લીફ્ટિંગ કરાયું છે. હાલ મુસાફરી ટાળવા સરકારે અનુરોધ કર્યો છે.