ખેડા: મહુધા તાલુકાના હેરંજ પાસે મંગળવારે શેઢી નદીના પુલ નજીક પૂરપાટ ઝડપે જઈ રહેલી ટેન્કરે રીક્ષાને અડફેટે લીધી હતી. પૂર ઝડપે આવતુ ટેન્કર રીક્ષા પર ફરી વળતા રીક્ષા સાથે ટેન્કર નાળામાં ખાબક્યું હતું. ભયંકર ટક્કરને લઈ રીક્ષાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અકસ્માતમાં રીક્ષામાં સવાર પાંચ વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી.જેમાં 2 લોકોનું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતું, જ્યારે અન્ય ચાર વ્યક્તિઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
ઘાયલોની હાલની પરિસ્થિતિ: સંપૂર્ણ ઘટના પ્રાપ્ત વિગતો મુજબ મૃતક મહિલા તેમજ ઈજાગ્રસ્તો હેરંજ ગામના એક જ પરિવારના હતા અને લગ્નની ખરીદી માટે ગયા હતા.જ્યાંથી પરત ફરતા અકસ્માતની ઘટના સર્જાઈ હતી.ઘટનાને પગલે પરિજનોમાં શોકની લાગણી ફેલાઈ હતી. ટેન્કર નીચે રિક્ષા દબાઈ જતા મહા મહેનતે મૃતક તેમજ ઈજાગ્રસ્તોને રિક્ષામાંથી બહાર કઢાયા હતા. ઘટના સ્થળે દોડી આવેલા સ્થાનિકો દ્વારા જેસીબીની મદદથી ટેન્કરને ખસેડવામાં આવ્યું હતું. જે બાદ ઈજાગ્રસ્તોને રિક્ષામાંથી બહાર કઢાયા હતા. અકસ્માતની ઘટનાને લઇ જાણ કરતા ડાકોર,ઉમરેઠ તેમજ મહુધા સહિત પાંચ 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી. જેમાં ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.ઘટનાની જાણ કરતાં મહુધા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જો કે ટેન્કર ચાલક ઘટના બાદ ફરાર થઈ ગયો હતો.
સંપૂર્ણ ઘટના: પોલિસની કામગીરીને લઈ લોકોમાં આક્રોશ મહુધા તાલુકાના હેરંજ ગામ પાસે શેઢી નદીના પુલ નજીક મહુધા પોલિસ દ્વારા ચેક પોસ્ટ બનાવવામાં આવી છે. જ્યાં બેરીકેડને કારણે વાહન ચાલકોને મુશ્કેલી થાય છે. અહીં મોટા ભારદારી વાહનોની અવરજવરના કારણે અવાર નવાર નાના વાહનોને અડફેટમાં લેવાના બનાવો બનતા હોય છે. ત્યારે ઘટનાને પગલે પોલિસની કામગીરી માત્ર દંડ વસુલવા પુરતી હોવાને લઈ લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.