સુરતઃ વૈદિક હોળીથી વાતાવરણમાં રહેલા આરોગ્યને નુકસાન કરતા વાયુ અને વિષાણુઓનો નાશ થાય છે. તેથી સુરત પાંજરાપોળમાં હજારોની સંખ્યામાં તરછોડેલી ગાયોના છાણમાંથી પાંજરાપોળમાં હાલ ખાસ હોલી સ્ટિક(ગૌ કાષ્ટ) બનાવવામાં આવી રહી છે. હોલિકા દહન પર આ વખતે લોકો આ જ ગૌ કાષ્ટનો ઉપયોગ કરે તો હજારો વૃક્ષોનું નિકંદન અટકાવી શકાય છે. આ ઉપરાંત જે તે વિસ્તારમાં વૈદિક હોળીની સંકલ્પના પણ સાકાર કરી શકાય.
ગૌ કાષ્ટની ડિમાન્ડ વધીઃ સુરત પાંજરાપોળ તરછોડાયેલી કુલ 11,000 ગાયના છાણમાંથી ગૌ કાષ્ટ બનાવી રહી છે. આ ગાયોમાં અનેક ગીર ગાયો પણ છે. અત્યારે લોકોમાં હોલી સ્ટિક(ગૌ કાષ્ટ) અંગે અવેરનેસ વધી હોવાથી તેની ડિમાન્ડ પણ વધી છે. સુરત પાંજરાપોળના જનરલ મેનેજર અતુલ વોરાએ જણાવ્યુ હતું કે, ગાયના છાણમાંથી તૈયાર સ્ટીક પર્યાવરણ માટે ખૂબ જ અનુકૂળ છે. તેનાથી પર્યાવરણમાં રહેલા હાનિકારક વિષાણુ નાશ પામે છે. પર્યાવરણ શુદ્ધ થાય છે અને આરોગ્ય માટે પણ ફાયદાકારક છે. અમારી પાસે 11,000થી પણ વધુ પશુઓ છે. અમે છેલ્લા 6 મહિનાથી ગાયના છાણમાંથી આ સ્ટીક બનાવવાની શરૂઆત કરી દીધી છે. હાલ લોકોમાં આ અંગે ખૂબ જ જાગૃતિ અને ડિમાન્ડ પણ જોવા મળી રહી છે. ગયા વર્ષે અમારું 60ટન પ્રોડક્શન હતું જે વધીને 70ટન થયું છે.
શરુઆત 10 ટનથી થઈ હતીઃ સુરત પાંજરાપોળના અનોખા હોલી સ્ટિક(ગૌ કાષ્ટ) વિશે જનરલ મેનેજર અતુલ વોરાએ જણાવ્યુ હતું કે,અમે શરુઆતમાં 10000, 15000 અને બાદમાં 35000 કિલો ગૌ કાષ્ટ બનાવી હતી. જો કે ડિમાન્ડને જોતા આ વર્ષે 70 ટન એટલે કે 70 હજાર કિલોગ્રામ ગૌ કાષ્ટ બનાવી રહ્યા છીએ. જેમાંથી મોટા ભાગની બની ગઈ છે. સુરત જ નહિ ગુજરાત સહિત અન્ય રાજ્યોના શહેરોમાં પણ ગૌ કાષ્ટની ડિમાન્ડ છે. આ ગૌકાષ્ટ વેચીને જે પણ આવક થશે તેનો ઉપયોગ અમે અમારા પાંજરાપોળમાં રહેલા તમામ પશુઓના સ્વાસ્થ્ય માટે ખર્ચ કરીશું. લોકો 1 કિલો લાકડા પાછળ 50થી 55 રુપિયા ચૂકવે છે જ્યારે આ હોલી સ્ટિક પ્રતિ કિલોએ 25 રુપિયાની કિંમતમાં અવાઈલેબલ છે. હોળીમાં ગૌ કાષ્ટનો ઉપયોગ કરવાથી પર્યાવરણની પણ શુદ્ધિ થશે.